એઆઇના કારણે દુનિયામાં 40 ટકા નોકરીઓ પર જોખમ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
એઆઇના કારણે દુનિયામાં 40 ટકા નોકરીઓ પર જોખમ 1 - image


- એઆઇથી ઉત્પાદન અને આર્થિક વિકાસને વેગ મળશે : આઇએમએફ

- એઆઇ એપ્લિકેશનન્સના કામથી કેટલીક નોકરીઓ કાયમ માટે અદ્રશ્ય થઇ જશે

નવી દિલ્હી : આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)થી સમગ્ર વિશ્વની ૪૦ ટકા નોકરીઓ પર અસર પડશે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના નવા એનાલિસિસમાં દાવો કરવામાં આવ્યો છે.  આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એઆઇથી અસમાનતામાં વધારો થવાનો હોવાથી નીતિ નિર્માતાઓએ સામાજિક તંગદિલી વધતા અટકાવવાના પ્રયત્નો કરવા પડશે.

વિકસિત દેશો, વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોમાં એઆઇથી નોકરીઓ પર પડનારી અસર અનુક્રમે ૬૦ ટકા, ૪૦ ટકા અને ૨૬ ટકા રહેશે

આઇએમએફના જણાવ્યા અનુસાર વિકસિત અર્થતંત્રોમાં એઆઇથી ૬૦ ટકા નોકરીઓ પર અસર થશે. જો કે આઇએમએફના જણાવ્યા અનુસાર એઆઇ ઉત્પાદન વધારવા અને વૈશ્વિક વિકાસને વેગ આપવાની તક પણ પૂરી પાડશે. એઆઇ એપ્લિકેશનન્સ માનવીઓ દ્વારા હાલમાં કરવામાં આવતા મહત્ત્વપૂર્ણ કાર્યો કરી શકશે જેનાથી શ્રમિકોની માગ ઘટી જશે. માગ ઘટી જવાને કારણે પગાર અને કર્મચારીઓનું ભરતીનું પ્રમાણ ઘટી જશે. કેટલીક નોેકરીઓ કાયમ માટે અદ્રશ્ય થઇ જશે.

વિકાસશીલ દેશો અને ઓછી આવકવાળા દેશોમાં એઆઇથી અનુક્રમે ૪૦ ટકા અને ૨૬ ટકા નોકરીઓ પર અસર પડશે. આ દાવો દર્શાવે છે કે વિકસિત દેશોની સરખામણીમાં વિકાસશીલ અને ઓછી આવકવાળા દેશોમાં એઆઇથી નોકરી પર પડનારી અસર ઓછી હશે.

આઇએમએફએ વધુમાં જણાવ્યું છે કે વિકાસશીલ અને ઓછી આવકવાળા દેશો પૈકી મોટા ભાગના દેશો પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્કીલ ધરાવતા કર્મચારીઓ નહીં હોય જેની મદદથી એઆઇનો લાભ લઇ શકાય. જેના કારણે વિકસિત અને વિકાસશીલ તથા ઓછી આવકવાળા દેશો વચ્ચેની અસામનતા વધશે. 

એઆઇથી દેશો વચ્ચે આવક અને સંપત્તિની અસામાનતા પણ વધશે. આઇએમએફનું માનવું છે કે એઆઇના કારણે ઉંચી આવકવાળા યુવાન કર્મચારીઓના પગાર વધારે હશે જ્યારે જૂના અને ઓછી આવકવાળા કર્મચારીઓના પગાર ઓછા હશે.

આઇએમએફના એમડીએ અંતમાં જણાવ્યું હતું કે વિશ્વના દેશોએ સામાજિક સલામતી વધારવાની જરૂર છે. નબળા અને સ્કીલ વગરના કર્મચારીઓને વિશેષ પ્રકારની તાલીમ આપવાની જરૂર છે. 

ફ્યુચર પોસિબિલિટીસ ઇન્ડેક્સમાં ભારત 35મા ક્રમે, બ્રિટન ટોચે

ભવિષ્યની સંભાવનાઓનો લાભ ઉઠાવવા માટેના સર્વશ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારતને ૩૫મું સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે આ યાદીમાં બ્રિટન પ્રથમ ક્રમે  છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકના પ્રસંગે નૂયઝવીક વેન્ટેજ અને હોરિઝોન ગુ્રપ દ્વારા જારી કરવામાં આવેલા ફ્યુચર પોસિબિલિટીસ ઇન્ડેક્સ (એફપીઆઇ)માં બ્રિટન પછી ટોચના પાંચ દેશોમાં ડેનમાર્ક, યુએસ, નેધરલેન્ડ અને જર્મનીનો સમાવેશ થાય છે. આ યાદીમાં ચીનનો ક્રમાંક ૧૯મો છે. બ્રાઝીલ ૩૦મા જ્યારે દક્ષિણ આફ્રિકા ૫૦મા સ્થાને છે. આ યાદીમાં ક્રમ છ માપદંડો એડવાન્સ્ડ ડિજિટલ ટેકનોલોજી, હેલ્થ પ્રિવેનશન એન્ડ વેલનેસ, રિડકશન ઓફ કાર્બન એમિશન, સર્કયુલર ઇકોનોમી, બાયોગ્રોથ ઇકોનોમીસ, કન્ઝમશન ઓફ એક્સપ્રિયન્સ ઇન્સ્ટેડ ઓફ ફિઝિકલ ગુડ્સને આધારે આપવામાં આવ્યા છે. આ તમામ છ ક્ષેત્રોની કુલ બિઝનેસ તકોનું અંદાજિત મૂલ્ય ૨૦૩૦માં ૪૪ ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. જે વેશ્વિક જીડીપીના ૪૦ ટકા થાય છે.

દુનિયાના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ ભારત માટે આશાવાદી

2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટની સંભાવના : WEF

આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના

સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં આજથી વર્લ્ડ ઈકોનામિક ફોરમ (WEF)ની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં 'ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ' જારી કરાયો છે. રિપોર્ટમાં ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિશ્વના ૫૬ ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, વર્તમાન વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદ જોવા મળી શકે છે. જ્યારે ૧૦માંથી ૭ અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે, વૈશ્વિક આર્થિક વિઘટનની પ્રક્રિયા વધુ ઝડપી બની શકે છે. બેઠકના પ્રથમ દિવસે વૈશ્વિક સ્થિતિ-૨૦૨૪નો ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ જારી કરાયો છે. રિપોર્ટ મુજબ ૫૬ અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે, ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી જોવા મળી શકે છે, જ્યારે ૫૩ ટકા અર્થશાસ્ત્રીઓના મત મુજબ, સ્થિતિ યથાવત્ રહેશે અથવા નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડશે. આમાના મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ નવા વર્ષમાં મોંઘવારીની સંભાવના નથી, પરંતુ તમામ સેક્ટરમાં વિકાસનો આઉટલુક જુદો જુદો છે અને તેમાના એકપણ સેક્ટરમાં મજબુત આર્થિક વિકાસ થવાની શક્યતા જોવા મળી રહી નથી. ભારત અને અંગે કેટલાક અર્થશાસ્ત્રીઓનો મત છે કે, વૈશ્વિક પડકારો છતાં ભારત વિકસતા અર્થતંત્ર તરફ આગળ વધવાનું રહેશે. વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અને મજબુત આર્થિક વૃદ્ધિ દર જાળવી રાખવામાં પણ ભારત સતત પ્રયત્નશીલ રહેશે, જેમાં તેને સફળતા પણ મળશે.

ડબલ્યુઈએફના મેનેજિંગ ડાયરેક્ટર સાદિયા જાહિદીએ કહ્યું કે, 'મુખ્ય અર્થશાસ્ત્રીઓના દ્રષ્ટિકોણનો વર્તમાન રિપોર્ટ આગામી સમયમાં આર્થિક સ્થિતિમાં અનિશ્ચિતતા સર્જાવા તરફ ઈશારો કરી રહી છે. વધતા મતભેદો વચ્ચે આગામી વર્ષોમાં વૈશ્વિક અર્થતંત્રની કસોટી થઈ શકે છે. વિશ્વભરમાં મોંઘવારી ઘટી રહી છે, વિકાસની ગતિ અટકી ગઈ છે, નાણાંકીય સ્થિતિ કટોકટ ચાલી રહી છે, વૈશ્વિક વિવાદ પણ વધતો જઈ રહ્યો છે, ઉપરાંત અસમાનતામાં વધી રહી છે. આવી સ્થિતિમાં ટકાઉ, સમાવેશી આર્થિક વૃદ્ધિને ગતિ આપી શકે, તેવી વૈશ્વિક સહકારની તાત્કાલિક જરૂર છે.'


Google NewsGoogle News