અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં હત્યાકાંડ, ભારતીય મૂળના પરિવારના તમામ સભ્યોના મર્ડરથી હાહાકાર

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં હત્યાકાંડ, ભારતીય મૂળના પરિવારના તમામ સભ્યોના મર્ડરથી હાહાકાર 1 - image

image : twitter

વોશિંગ્ટન,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

અમેરિકના ન્યૂજર્સી શહેરમાં ભારતીય મૂળના સમગ્ર પરિવારની હત્યા કરી દેવામાં આવતા હાહાકાર મચી ગયો છે. 

ન્યૂ જર્સી શહેરમાં નોકરી કરતા ભારતીય મૂળના સોફ્ટવેર એન્જિનિયર તેજ પ્રતાપ સિંહ, પત્ની સોનલ, પુત્ર આયુષ અને પુત્રી એરીના મૃતદેહો ઘરમાં લોહીથી લથપથ હાલતમાં મળી આવ્યા હતા. 

આ પરિવાર મૂળે યુપીનો છે અને હત્યાકાંડની જાણકારી મળ્યા બાદ પરિવારજનો પર આભ તુટી પડ્યુ છે. તેમણે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેથી આખી ઘટનાની જાણકારી મળી શકે. 

તેજ પ્રતાપસિંહને અમેરિકાની કંપનીએ નોકરી ઓફર કરી હતી. એ પછી તેઓ 2009થી અમેરિકામાં ન્યૂ જર્સી સિટીમાં રહેતા હતા. તેમના બંને સંતાનોને જન્મ પણ અમેરિકામાં જ થયો હતો. બુધવારે રાત્રે પરિવારના ચારે સભ્યોના મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યા હતા. 

ઘરમાં છેલ્લા કેટલાક દિવસોથી હલચલ નહીં થઈ રહી હોવાથી પાડોશીઓએ પોલીસને જાણકારી આપી હતી. પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઘરમાં તપાસ શરૂ કરી હતી. એ પછી ભારતીય દૂતાવાસને પણ જાણ કરવામાં આવી હતી. 

તેજ પ્રતાપ સિંહના પત્ની સોનલનો ભાઈ 400 કિલોમીટર દૂરના શહેરમાં રહે છે. લોકલ ન્યૂઝ ચેનલમાં તેણે પોતાની બહેન અને પરિવારના મોતની ખબર સાંભળી ત્યારે તે હેરાન થઈ ગયો હતો. 

તે ન્યૂજર્સી પહોંચ્યો હતો અને તેણે તેજ પ્રતાપસિંહના ભારત સ્થિત પરિવારને જાણ કરી હતી. એ પછી હવે  પરિવારના સભ્યો ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે. પરિવારને તો હજી પણ આ હત્યાકાંડ સર્જાયો હોવાનો વિશ્વાસ આવી રહ્યો નથી. 

મરનાર તેજ પ્રતાપને પાંચ બહેનો અને બે ભાઈ પણ છે. આ પૈકીના એક ભાઈ ભારતીય સેનામાં કર્નલ રહી ચુકયા છે. 2019માં તેમનુ બીમારીના કારણે નિધન થયુ છે. તેજ પ્રતાપના તમામ ભાઈ બહેનો ભારતમાં જ રહે છે. 


Google NewsGoogle News