અમેરિકાના સૌથી ચર્ચિત શહેરમાં 4.8ની તીવ્રતાના ભૂકંપથી લોકો ભયભીત, ચારેકોર ડરનો માહોલ
Earthqauck news | અમેરિકાના ન્યૂયોર્કમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઈમારતો ધુ્રજી ઉઠી હતી અને ભયના માર્યા લોકો ઘરમાંથી ભાગીને શેરીઓમાં આવી ગયા હતા. ભૂકંપના વધુ આંચકા આવશે તે ડરથી અનેક લોકોએ કલાકો સુધી ઘરમાં જવાનું ટાળ્યું હતું. સરકારી તંત્રએ હાઈએલર્ટ આપીને લોકોને ચેતવણી આપી હતી. ન્યૂયોર્ક શહેરથી છેક ફિલાડેલ્ફિયા સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ત્યાંના સમય પ્રમાણે સવારે ૧૦.૨૦ કલાકે ભૂકંપ નો તીવ્ર આંચકો અનુભવાયો હતો. અમેરિકન ભૂકંપ સેન્ટરના કહેવા પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા ૪.૮ રિક્ટર સ્કેલ હતી. ભૂકંપથી શહેરની ઈમારતો ડોલવા લાગી હતી અને લોકોમાં ડર ફેલાઈ ગયો હતો. ભૂકંપનો અનુભવ થયો કે તુરંત જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ફરીથી ભૂકંપ આવશે તેવી દહેશતના પગલે લોકો કલાકો સુધી ઘરમાં ગયા ન હતા. ન્યૂયોર્ક રાજ્યના ન્યૂયોર્ક શહેરથી ફિલાડેલ્ફિયા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શહેરના ફાયર સેફ્ટી વિભાગે હાઈએલર્ટ આપીને લોકોને ચેતવ્યા હતા.
લોકોએ કેટલાય ફોન કરીને વિભાગમાં ભૂકંપની ફરિયાદ કરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં કોઈ જ ઈમારતને નુકસાન થયાનું નોંધાયું નથી. સદ્ભાગ્યે એકેય નાગરિકને ઈજા પણ થઈ નથી. ન્યૂયોર્ક શહેરમાં અનુભવાયેલા ભૂકંપનું એપીસેન્ટર ન્યૂજર્સી રાજ્યના વ્હાઈટ હાઉસ સ્ટેશન નામના સ્થળે પૃથ્વીના પેટાળમાં પાંચ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ સ્થળ ન્યૂયોર્કથી લગભગ ૮૦ કિ.મી દૂર છે. ઘણાં લોકોએ વૉશિંગ્ટન ડીસીમાં પણ આ ભૂકંપનો અનુભવ થયાનું જણાવ્યું હતું.
દરમિયાન અમેરિકાના મારિયાના ટાપુ નજીકના પ્રશાંત મહાસાગરમાં ૬.૮ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. ટાપુમાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ રિક્ટર સ્કેલમાં તીવ્ર ભૂકંપ નોંધાતા સુનામીની ચેતવણી અપાઈ હતી. મારિયાના ટાપુમાં વહેલી સવારે છ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું એપીસેન્ટર પ્રશાંત મહાસાગરમાં ૨૧૨ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. નેશનલ ભૂકંપ સેન્ટરે ટાપુમાં રહેતા લોકોને આફ્ટર શોકની ચેતવણી આપી છે.
તાજેતરમાં તાઈવાનમાં ભયાનક ભૂકંપ ત્રાટક્યો તે પછી અમેરિકામાં આવેલા આ ઉપરાઉપરી બે ભૂકંપથી લોકોમાં ડર જોવા મળ્યો હતો.