ક્યાંક પેટ્રોલ બોમ્બ ઝીંકાયા તો ક્યાંક તોડફોડ, બાંગ્લાદેશમાં 35 દુર્ગા પંડાલો પર હુમલાથી તંગદિલી
- પ્રથમ વખત બાંગ્લાદેશમાં હિન્દુઓ દુર્ગા પૂજા ના કરી શક્યા, કટ્ટરવાદીઓ બેફામ
- કટ્ટરવાદીઓએ પંડાલના મંચ પર કબજો કરી ઇસ્લામિક ગીતો ગાયા, હિન્દુઓ વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવ્યા વિશાળ રેલી યોજી દુર્ગાપૂજા બંધ કરાવવા માગણી કરી, મોટા પાયે હિંસાની શક્યતા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ જેશોરેશ્વરી મંદિરને ભેટમાં આપેલો સોનાનો મુગટ પણ ચોરાયો
- પંડાલો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા, તોડફોડ કરી સામાન લૂંટી ગયા
ઢાકા: બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ બેફામ બન્યા છે અને હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. અગાઉ જ્યારે શેખ હસિના સામે બળવો કર્યો તે બાદ હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલા કર્યા હતા હવે બાંગ્લાદેશમાં હિન્દુઓને દુર્ગા પૂજાની ઉજવણી કરતા અટકાવાઇ રહ્યા છે. એટલુ જ નહીં અનેક પંડાલો પર હુમલા કરીને તેના પર કબજો કરી ઇસ્લામિક ગીતો ગાવામાં આવી રહ્યા છે. કેટલાક પંડાલો પર પેટ્રોલ બોમ્બ ફેકવામાં આવ્યા છે, તો કેટલાક પંડાલોમાં તોડફોડ કરીને ચોરી કરાઇ રહી છે. દુર્ગા પૂજાના પંડાલો પર હુમલાની આશરે ૪૦ જેટલી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
બાંગ્લાદેશમાં પાંચ દિવસીય હિંદુ તહેવાર દુર્ગા પૂજાની શરૂઆત બુધવારે થઈ હતી. દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન ઇસ્લામિક કટ્ટરવાદીઓએ આચરેલી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી છે. રાજધાની ઢાકાના તાંતીબજારમા પૂજા મંડપમાં હુમલો કરવામાં આવ્યો હતો. સાતખીરામાં આવેલા પ્રસિદ્ધ જેશોરેશ્વરી કાલી મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ભેટમાં આપવામાં આવેલા સોનાના મુગટની ચોરી થઈ છે. જ્યારે, રાજધાનીથી લગભગ ૨૫૦ કિમી દૂર ચટગાંવમાં ગુરુવારે દુર્ગા પૂજા દરમિયાન ઇસ્લામિક ગીતો ગવાતા હતા, અહીંયા કટ્ટરવાદીઓએ પંડાલ પર કબજો કરી લીધો હતો. એક વીડિયોમાં દુર્ગા પૂજા અટકાવવાની માગ સાથે કટ્ટરવાદીઓ રસ્તા પર રેલી કરતા જોવા મળ્યા હતા.
આ સિવાય સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દુર્ગા પૂજા પંડાલમાં પેટ્રોલ બોમ્બ ફેંકવાની ઘટના સામે આવી હતી. બાંગ્લાદેશના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં ૩૨,૦૦૦થી વધુ મંડપોમાં દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન બનેેલી હિંસક ઘટનાઓના મામલાઓમાં કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાંગ્લાદેશના હિંદુ સમાજનું કહેવું છે કે, તેઓ ડરના ઓછાયા હેઠળ જીવી રહ્યાં છે અને મંદિરો તથા પૂજા પંડાલો છાવણીમાં ફેરવાઈ ગયા છે. ભારત સરકારે શનિવારે બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો અને પૂજા પંડાલો પર થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને બાંગ્લાદેશ સરકારને હિંદુઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશના ૮ ટકા હિંદુઓ પર હુમલાઓની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસ દુર્ગા પુજાનું આયોજન કરનારાઓની સામે પણ કેસ દાખલ કરી રહી છે.
આવો જ એક કેસ ઢાકાથી ૨૫૦ કિમી દૂર ચટ્ટોગ્રામમાં થયો છે. અહીંયા કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓ દુર્ગા પુજા પંડાલ પર ચડી ગયા હતા અને ઇસ્લામિક શાસનના ગીતો ગાવા લાગ્યા હતા. પોલીસે આ મામલે સાત લોકોની સામે કેસ દાખલ કર્યો છે જેમાં પુજા કમિટીના જનરલ સેક્રેટરી સજલ દુત્તાનો પણ સમાવેશ થાય છે. હિન્દુઓના તમામ ધાર્મિક તહેવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાથી હવે બાંગ્લાદેશમાં રહેતા અન્ય ધર્મના લોકો પણ ભયમાં જીવી રહ્યા છે. અહીંના બૌદ્ધો દ્વારા મનાવાતા કઠીન ચિબર દાન તહેવારને રદ કરી દેવાયો હોવાના અહેવાલો છે. દુર્ગા પૂજા દરમિયાન ૩૫ જેટલા પંડાલોનો સફાયો કરાયાની ઘટનાઓ સામે આવી છે. હાલ સમગ્ર દેશમાં ભયના માહોલને પગલે હિન્દુઓએ દુર્ગા પૂજાને અટકાવી દીધી છે. શેખ હસીના જ્યારે સત્તા પર હતા ત્યારે આ પાકિસ્તાન સમર્થક કટ્ટરવાદીઓ પર થોડો અંકુશ રહેતો હતો, જોકે શેખ હસિનાને સત્તામાંથી ઉખેડી ફેંકી કટ્ટરવાદીઓએ બાંગ્લાદેશને બાનમાં લીધો છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે ભારતના વિપક્ષના નેતાઓ, સંસ્થાઓ મૌન
નવી દિલ્હી: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે, બાંગ્લાદેશમાં તો હિન્દુઓ આ હુમલાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ ભારતમાં આ હુમલાની કોઇ ખાસ અસર નથી જોવા મળી રહી.
સત્તામાં બેઠેલા કે વિરોધ કરી રહેલા નેતાઓ પણ હિન્દુઓ પર અત્યાચારોને અટકાવવા માટે નક્કર પગલા લેવામાં નિષ્ફળ જણાઇ રહ્યા છે. ભારતમાં માનવ અધિકારો માટે કામ કરતી કે અન્ય સંસ્થાઓ પણ ચુપ જોવા મળી રહી છે. જો આ અત્યાચારોને રોકવામાં ના આવ્યા તો બાંગ્લાદેશમાં હિન્દુઓનું જવવું મુશ્કેલ થઇ શકે છે.
અગાઉ જ્યારે શેખ હસિના સામે બળવો થયો હતો ત્યારે પણ હિન્દુઓ પર હુમલા થયા હતા, હવે દુર્ગા પૂજા કરતા અટકાવવા માટે બાંગ્લાદેશના રસ્તાઓ પર રેલીઓ નીકળી રહી છે તેમ છતા ભારતના નેતાઓ અને સંસ્થાઓ મૌન ધારણ કરીને બેઠા હોવાની ચર્ચા ચાલી રહી છે.