આઇટીબીપીની 33 ચોકીઓને ચીન સરહદે લવાઇ, છ બટાલિયનનો વધારો
- ચીનની ગુપ્ત અવળચંડાઇ વચ્ચે સરહદે ભારતની મોટી કાર્યવાહી
- ચીન સરહદ નજીક કુલ 56 ચોકીઓને લઇ જવાનું આયોજન, વધુ આધુનિક હથિયારો માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલીશું : ડીજી
નવી દિલ્હી : ભારતીય સરહદે અવાર નવાર ચીનની અવળચંડાઇ સામે આવતી હોય છે. એવામાં હવે ભારતીય સૈન્ય પણ સતર્ક થઇ ગયું છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ એલએસી પર તૈનાત આઇટીબીપી દ્વારા ચોકીઓને આગળ સરહદ તરફ ધપાવવામાં આવી રહી છે. કુલ ૫૬ ચોકીઓને ચીન સરહદ નજીક લઇ જવાશે જેમાંથી ૩૩ જેટલી ચોકીઓને હાલ સરહદ નજીક તૈનાત કરી દેવાઇ છે. સાથે જ વધુ છ નવી બટાલિયન પણ તૈનાત કરવામાં આવી છે.
ઓડિશાના ખોરધા જિલ્લામાં આઇટીબીના ૬૩માં સ્થાપના દિનની ઉજવણી દરમિયાન આઇટીબીપીના ડીજી રાહુલ રસગોત્રાએ કહ્યું હતું કે સૈન્ય દળે એક મહત્વપૂર્ણ યોજના તૈયાર કરી છે. જે અંતર્ગત આઇટીબીપીની કુલ ૫૬ સરહદી ચોકીઓને મોરચાની નજીક લાવવામાં આવી રહી છે. જેમાંથી ૩૩ ચોકીઓને હાલ સરહદની નજીક લાવી નાખવામાં આવી છે. આઇટીબીપી પ્રમુખે જણાવ્યું હતું કે સરકારે થોડા સમય પહેલા સરહદી સુરક્ષા કાર્યો માટે સાત નવી બટાલિયનને મંજૂરી આપી હતી. જેમાંથી છ બટાલિયન અરુણાચલ પ્રદેશમાં એલએસી પાસે તૈનાત કરવામાં આવી છે. જ્યારે એકને સિક્કીમમાં મોરચા પર તૈનાત કરાઇ છે.
તેમણે જણાવ્યું હતું કે આઇટીબીપીને વધુ આધુનિક બનાવાઇ રહી છે. નેટવર્કને મજબૂત બનાવવા માટે દેશવ્યાપી ફાઇબર નેટવર્કનો પણ ઉપયોગ કરવામાં આવશે. સાથે જ હથિયારોને પણ અત્યંત આધુનિક બનાવવામાં આવશે જે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલવામાં આવશે. સાથે જ નક્સલીઓ સામે કાર્યવાહી માટે પણ યોજના ઘડવામાં આવી રહી છે. આઇટીબીપીને આ વર્ષે માળખાકીય સુવિધામાં સુધારા કરવા માટે ૨૫૦૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ગયા વર્ષે આ ખર્ચની રકમ એક હજાર કરોડ રૂપિયા હતી. ૧૯૬૨ના ચીન સાથેના યુદ્ધ બાદ ગઠીત આઇટીબીપીને મુખ્યત્વે ચીન સાથેની ૩૪૮૮ કિમી લાંબી સરહદની સુરક્ષા ઉપરાંત દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.