ઈટાલીમાં 33 ભારતીયો ગુલામીમાંથી મુક્ત, રજા વિના જ દરરોજ 10-12 કલાક કામ કરતા હતા
Indians Freed From Slavery In Italy: ઈટાલીની પોલીસે વેરોના પ્રાંતમાંથી ખેતીકામ કરતા 33 ભારતીયને મુક્ત કર્યા છે. પોલીસના જણાવ્યાનુસાર, આ ભારતીયોને ગુલામોની જેમ કામ કરાવનારા બે લોકો પાસેથી લગભગ પાંચ લાખ યુરો જપ્ત કર્યા છે. ઈટાલીમાં શ્રમિકોને હેરાનગતિ કરવાનો મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ગયા મહિને એક ભારતીયનું મશીનમાં હાથ કપાઈ જવાથી મૃત્યુ થયું હતું.
શ્રમિકોને 10-12 કલાક કામ કરતા હતા
અહેવાલો અનુસાર, ભારતીયોને ગુલામ બનાવવાની ગેંગનો લીડર એક ભારતીય છે. તેણે ભારતીયોને સારા ભવિષ્યના વચન આપી ઈટાલી લાવીને ફસાવ્યા. શ્રમિકો સીઝનલ વર્ક પરમિટ પર ઇટાલી લાવવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે, દરેકને 17,000 યુરો મળશે. પરંતુ અહીં ભારતીયોને રોજ 10-12 કલાક કોઈ રજા વગર ખેતરોમાં ગુલામોની જેમ કામ કરાવવામાં આવતું હતું. આ ભારતીયોને પ્રતિ કલાક માત્ર ચાર યુરોનું વેતન આપવામાં આવતું હતું. અગાઉ અહીં મજૂરી પણ મળતી ન હતી, કારણ કે આ શ્રમિકો દેવાની જાળમાં ફસાઈ ગયા હતા. તેઓને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી દેવું ચૂકવશે નહીં ત્યાં સુધી વેતન મેળવશે નહીં.
ઈટાલીમાં શ્રમિકોની અછત
ભારતીય શ્રમિકોના જણાવ્યાનુસાર, કાયમી વર્ક પરમિટ માટે તેમને 13,000 યુરો ચૂકવવાના હતા. તેથી આ રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી મફતમાં કામ કરાવતા હતા. પોલીસે જણાવ્યું કે, 'પીડિતોને સુરક્ષા, કામની તકો અને કાનૂની રહેઠાણના દસ્તાવેજો આપવામાં આવશે.' યુરોપના અન્ય દેશોની જેમ ઈટાલીમાં પણ શ્રમિકોની અછત વધી રહી છે. શ્રમિકોની અછત ઈમિગ્રેશન દ્વારા પૂરી થાય છે.
આ પણ વાંચો: મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો, ગોળી કાનને ચીરતી નીકળી ગઈ, ઘણું લોહી વહ્યું..' ટ્રમ્પની આપવીતી
ઉલ્લેખનીય છે કે, ઈટાલીને યુરોપનું ભારત કહેવામાં આવે છે. કારણ કે ભારત એક કૃષિપ્રધાન દેશ છે. એ જ રીતે યુરોપિયન દેશોમાં સૌથી વધુ ખેતી માત્ર ઇટાલીમાં જ થાય છે. ઇટાલી એ યુરોપમાં એક કૃષિપ્રધાન દેશ છે. તેમજ પો નદીને ઈટાલીની ગંગા કહેવામાં આવે છે.