300 કારો-સંખ્યાબંધ પ્રાઈવેટ જેટ, જાણો કોણ છે મલેશિયાના નવા સુલતાન ઈબ્રાહિમ ઈસ્કંદર
image : Twitter
કુઆલાલમ્પુર,તા.1.ફેબ્રુઆરી.2024
મલેશિયાના 17મા સુલતાન તરીકે ઈબ્રાહિમ ઈસ્કંદરની વરણી થઈ છે. બુધવારે તેમણે શપથ લીધા હતા.તેઓ પાંચ વર્ષ સુધી દેશના સુલતાન પદે રહેશે.
બ્રિટન પાસેથી આઝાદી મળ્યા બાદ વર્ષ 1957થી દર પાંચ વર્ષ માટે મલેશિયામાં સુલતાનની વરણી થતી આવી છે. ઈબ્રાહિમ ઈસ્કંદર શાહી પરિવાર સાથે સબંધ ધરાવે છે. તેઓ પોતાના પ્રાઈવેટ જેટમાં શપથ ગ્રહણ સમારોહ માટે આવ્યા હતા.
તેમના મોટા પુત્ર અને મલેશિયાના ક્રાઉન પ્રિન્સ ટૂંકુ ઈસ્માઈલ ભારતીય સેનામાં થોડા સમય માટે કેપ્ટન પણ રહી ચુકયા છે. ઈબ્રાહિમ ઈસ્કંદર પાસે 5.7 અબજ ડોલરની સંપત્તિ છે. તેમના કાફલામાં 300 લકઝરી કારોનો પણ સમાવેશ થાય છે. કેટલાક અહેવાલો પ્રમાણે તેમની પાસે પોતાની પ્રાઈવેટ આર્મી તથા બોઈંગ 737 જેવા સંખ્યાબંધ પ્રાઈવેટ જેટ છે.
મલેશિયા ઉપરાંત સિંગાપુરમાં પણ ઈબ્રાહિમ ઈસ્કંદર જમીનો ધરાવે છે. જેની કિંમત ચાર અબજ ડોલરની આસપાસ થવા જાય છે. જેમાં બોટનિકલ ગાર્ડનનો પણ સમાવેશ થાય છે. તેઓ રિયલ એસ્ટેટથી માંડીને માઈનિંગ તથા પામ ઓઈલના બિઝનેસમાં ભાકીદારી ધરાવે છે. તેમના પત્ની પણ શાહી પરિવાર સાથે સબંધ ધરાવે છે.
મલેશિયામાં કુલ 13 રાજ્ય છે અને નવ શાહી પરિવાર છે. દર પાંચ વર્ષ સુલતાનની વરણી કરવા માટે ગુપ્ત મતદાન થતુ હોય છે અને આ માટે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. આ મતદાનમાં શાહી પરિવારોના સભ્યો જ ભાગ લેતા હોય છે.
ઈબ્રાહિમ ઈસ્કંદર મલેશિયાના જોહોર રાજ્યના શાહી પરિવારમાંથી આવે છે. તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિઓ પૈકીના એક છે.
જોકે મલેશિયાની સરકારમાં સુલતાનની ભૂમિકા ઔપચારિક હોય છે. કારણકે મોટાભાગના બંધારણીય અધિકારો વડાપ્રધાન અને સંસદ પાસે છે. માત્ર તમામ કાયદાઓ મંજૂર કરવાની તથા સામાન્ય ચૂંટણી માટે સંસદ ભંગ કરવા માટે સુલતાનની મંજૂરી લેવાની હોય છે. તેમને અપરાધીઓને માફી આપવાની સત્તા પણ અપાયેલી છે.