યુકેની ચૂંટણીમાં 30 વર્ષની મૂળ ગુજરાતી શિવાની રાજાની જીત
- શિવાનીએ પહેલી જ વાર ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું
અમદાવાદ : યુકેની સામાન્ય ચૂંટણીમાં મૂળ ગુજરાતી શિવાની રાજા પણ જીતતાં બ્રિટનની સંસદમાં પ્રીતિ પટેલ પછી વધુ એક ગુજરાતી યુવતીની એન્ટ્રી થઈ છે. શિવાની રાજાનો પરિવાર મૂળ દીવનોં છે. ૧૯૯૪ના જુલાઈમાં જન્મેલાં શિવાની માત્ર ૩૦ વર્ષનાં છે.
લેસ્ટરમાં ૨૦૨૨માં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ પછી ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાની ઘટના બની હતી. તેના કારણે હિંદુ અને મુસ્લિમો વચ્ચે થયેલા ઘર્ષણને કારણે મતો વહેંચાઈ જતાં શિવાનીને ફાયદો થયો છે. શિવાની રાજા ૨૦૧૭માં મિસ ઈન્ડિયા-યુકે સ્પર્ધામાં સેમી ફાઈનલિસ્ટ હતી.
શિવાનના પિતા ગુજરાતથી જ્યારે માતા કેન્યાથી ૧૯૭૦ના દાયકામાં બ્રિટન આવ્યાં હતાં અને રશી મીડમાં સ્થાયી થયાં. શિવાનીએ સોર વેલી કોલેજમાં ભણ્યા પછી ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં ફાર્માસ્યુટિકલ એન્ડ કોસ્મેટિક સાયન્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
શિવાની રાજાએ ઋષિ સુનકની કન્ઝર્ર્વેટિવ પાર્ટીની ટિકિટ પર ભારતીયોની મોટા પ્રમાણમાં વસતી ધરાવતી લેસ્ટર ઈસ્ટ બેઠક પરથી જીત મેળવી છે. શિવાની પહેલી જ વાર ચૂંટણી લડયાં હતાં. શિવાનીની જીતે યુકેમાં ચકચાર જગાવી દીધી છે કેમ કે લેસ્ટર ઈસ્ટ બેઠક લેબર પાર્ટીનો ગઢ ગણાય છે. આ બેઠક પર વરસો સુધી લેબર પાર્ટીના ભારતીય મૂળના નેતા કેઈથ વાઝ જીત્યા હતા. ગોઆમાં મૂળિયાં ધરાવતા કેઈથ વાઝ ૧૯૮૭થી ૨૦૧૯ સુધી સળંગ ૩૨ વર્ષ સુધી લેસ્ટર ઈસ્ટના સાંસદ હતા. ૨૦૧૯માં પણ લેબર પાર્ટીનાં ક્લોડિયા વેબ જીત્યાં હતાં.
લેસ્ટર ઈસ્ટ બેઠક પર શિવાનીની ટક્કર ભારતીય મૂળના નેતા અને લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે હતી. લંડનના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલનો પરિવાર મૂળ ઈન્દોરનો છે. આ ચૂંટણીમાં શિવાની રાજાને ૧૪,૫૨૬ જ્યારે દિનેશ અગ્રવાલને ૧૦,૧૦૦ મત મળતાં શિવાનીની ૪,૪૨૬ મતે જીત થઈ છે. લિબરલ ડેમોક્રેટ પાર્ટીના ઝફર હકે ૬,૩૨૯ મત મેળવીને લેબર પાર્ટીના મતોમાં ગાબડું પાડતાં શિવાનીની જીત પાકી થઈ ગઈ. ૨૦૧૯માં જીતનારાં સાંસદ ક્લોડિયા વેબ ૫,૫૩૨ મત મેળવીને ચોથા સ્થાને જ્યારે સળંગ ૩૨ વર્ષ સુધી સાંસદ રહેલા કેઈથ વાઝ માત્ર ૩,૬૮૧ મત મેળવીને પાંચમા સ્થાને રહ્યા હતા.