હમાસની કેદમાં રહેલી 30 મહિલાઓ સાથે બર્બરતાપૂર્વક રેપ કરાયો હતો, સારવાર કરનાર ડોકટરોનો સનસનીખેજ દાવો
image : Twitter
તેલ અવીવ,તા.23 ડિસેમ્બર 2023,શનિવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ખૂની જંગ વચ્ચે તાજેતરમાં કામચલાઉ યુધ્ધ વિરામ દરમિયાન કેટલાક બંધકોને હમાસે મુક્ત કર્યા હતા.
આ બંધકોમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હતો . મુકત થયા બાદ તેમની સારવાર કરનાર ઈઝરાયેલના બે ડોકટરોએ અમેરિકન ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં સનસનીખેજ દાવો કર્યો છે કે, બંધક બનાવાયેલી લગભગ 30 જેટલી મહિલાઓ ઉપર હમાસના આતંકીઓએ બેરહેમપૂર્વક બળાત્કાર કર્યો હતો.
ઈઝરાયેલના એક સૈન્ય અધિકારીએ પણ ડોકટરોના દાવાને સમર્થન આપ્ય છે અને કહ્યુ હતુ કે, જે બંધકોને મુકત કરાયા હતા તે પૈકીની કેટલીક મહિલાઓએ બાદમાં અમને કહ્યુ હતુ કે, હમાસની કેદમાં અમારુ યૌન શોષણ કરવામાં આવ્યુ હતુ. રેપનો શિકાર બનેલી મહિલાઓની વય 12 વર્ષથી માંડીને 48 વર્ષ થવા જાય છે. આવી મહિલાઓી સંખ્યા 30 જેટલી છે.
ડોકટરોએ કહ્યુ હતુ કે, મુક્ત કરાયેલી તમામ મહિલાઓનુ ગર્ભ પરિક્ષણ કરવામાં આવ્યુ છે અને સાથે સાથે તેમને યૌન સંક્રમણ લાગ્યુ છે કે નહીં તેની પણ તબીબી તપાસ કરવામાં આવી છે.
ઈઝરાયેલના એક સૈન્ય અધિકારીએ કહ્યુ હતુ કે, સાત ઓક્ટોબરના દિવસે થયેલા આતંકી હુમલામાં જે મહિલાઓનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ તેમની સાથે રેપ કરવામાં આવ્યો હોવાની જાણકારી અમારી પાસે હતી અને હજી પણ જે મહિલા બંધકો છે તેમની શારીરિક અને માનસિક સ્થિતિ ઘણી ખરાબ છે. બંધકોને મારવામાં આવી રહ્યા છે અને તેમને પૂરતા પ્રમાણમાં ભોજન અને્ પાણી પણ મળી રહ્યુ નથી.
ઈઝરાયેલની સેનાને તેમની જાણકારી ના મળે તે માટે હમાસના આતંકીઓ સતત બંધકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી રહ્યા છે.