ઇઝરાયેલી સેનાએ આવી રીતે ભૂલથી માર્યા પોતાના જ 3 બંધકો, હમાસ સંગઠને કર્યુ હતું અપહરણ
ઉત્તરી ગાજાના શેજૈયામાં ૩ ઇઝરાયેલી બંધકોને એક ખતરા તરીકે જોયા
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઘટનાને અસહનીય ત્રાસદી ગણાવી
તેલઅવિવ,૧૬ ડિસેમ્બર,૨૦૨૩,શનિવાર
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઇ અવિરત રહી છે. ઇઝરાયલે ગાજા પટ્ટી વિસ્તારમાં દુનિયાના ઇતિહાસમાં કોઇએ જોયો ના હોય તેવો વિનાશ વેર્યો છે. ૭ ઓકટોબરે અભેદ ગણાતા ઇઝરાયેલની સુરક્ષાને ભેદીને ૫ હજાર રોકેટો વડે હમાસે હુમલો કર્યા પછી ઇઝરાયેલ ધુંવાપૂંવા થયું છે.
ઇઝરાયેલી લડાકુ વિમાનો અને ભૂમિ સૈન્ય સખત કાર્યવાહી કરી રહયું છે. તાજેતરમાં એક એવી ઘટના બની જેમાં ઇઝરાયેલના સૈનિકોએ પોતાના 3 બંધકોને ભૂલથી ગોળીઓથી ઉડાવી દીધા હતા. આ ઘટના ગાજાપટ્ટીના શેજૈયા જિલ્લામાં બની હતી. ઇઝરાયેલના રક્ષાબળોએ પણ કબૂલાત કરી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઘટનાને અસહનીય ત્રાસદી ગણાવી છે.
આઇડીએફના પ્રવકતા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ સુરક્ષા દળોએ ઉત્તરી ગાજાના શેજૈયામાં ૩ ઇઝરાયેલી બંધકોને એક ખતરા તરીકે જોયા હતા.ત્યાર પછી તરત જ ગોળીઓ છુટવા લાગતા ત્રણેયનું મોત થયું હતું. ગત શુક્રવારે બનેલી ઘટનાની આઇડીએફ દ્વારા સંપૂર્ણ જવાબદારી લીધી છે.બંધકોના નામ યૌતમ હેમ જેને હમાસે કિબુત્ઝ કફર અજાથી અપહરણ કર્યુ હતું.સમર ફૌદ તલાલકા જેનું નિર અમથી અપહરણ થયું હતું. ત્રીજા બંધકનું નામ અલોન શમરિજ હતું જેને પણ કેફર અજા કિબુત્ઝથી ઝડપીને લઇ ગયા હતા.