લોસ એન્જલસમાં રોકડા 3 કરોડ ડોલરની ધાડ : હજી સુધી ધાડપાડુઓનો પત્તો નથી
- થ્રીલર નોવેલ કે ફિલ્મ જેવી ઘટના
- ઇસ્ટર-સન્ડેની રાત્રીએ ધાડપાડુઓએ દિવાલમાં તો બાકોરૂં પાડયું જ હતું પરંતુ અભેદ્ય લાગતી સેઈફ પણ કાપી નાખી
લોસ એન્જલસ : ઇસ્ટર-સન્ડેની રાત્રીએ નાગરિકો દારૂ પી ઘસઘસાટ ઊંઘતા ત્યારે ધાડપાડુઓએ પૈસા સાચવનાર એક કંપનીનાં બિલ્ડિંગની દિવાલમાં બાકોરૂં પાડી અંદર ઘૂસી સેઇફને કાપી તેમાંથી ૩ કરોડ ડોલર ઊઠાવી રફુચક્કર થઈ ગયા હતા. શહેરના ઇતિહાસમાં હજુ સુધી થયેલી આ સૌથી મોટી ચોરી છે. આઘાતની વાત તો તે છે કે શહેર પોલીસ અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઈ) ના ડીટેકટીવ્ઝ પણ હજી સુધી આ ધાડપાડુઓ કે તે રકમનો કોઈ સુરાગ મેળવી શક્યા નથી.
પોલીસ કમાન્ડર એલેઇન મોરાલ્સે લોસ એન્જલસ ટાઇમ્સને આપેલી મુલાકાતમાં પણ કહ્યું હતું કે, ધાડપાડુઓએ પહેલા બિલ્ડીંગની દિવાલમાં બાકોરૂં પાડયું હતું અને પછી તેમાં રહેલી સેઇફ કાપી આ રકમ ઉઠાવી ગયા હતા. આ કંપનીના કર્મચારીઓ સોમવારે સવારે તાળું ઉઘાડી હોલમાં પ્રવેશ્યા ત્યારે આ જોઈ તેઓ અવાક બની ગયા હતા.
લોકોના પૈસા સાચવનાર આ કંપની લોસ એન્જલસમાં ઉપનગર સીલ્વરમાં આવી ધન સંરક્ષક કાર્યવાહી ચલાવે છે. મૂળ કેનેડા સ્થિત આ કંપનીની લોસ એન્જલસમાં પણ શાખા છે. તે આમર્ડ-ફોર્સનું એકફ્વીટ પણ ધરાવે છે. આ કંપનીના અધિકારીઓનો પત્રકારોએ સંપર્ક કર્યો હતો પરંતુ તેઓએ કહ્યું કે, અમારે કશું કહેવાનું નથી.
લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (એલએપીડી)ના ઓફિસર ડેવીડ ક્યુલરે જણાવ્યું હતું કે આ અંગે અમોને કોલ દ્વારા કહેવામાં આવ્યું કે ગાર્ડઝ-વર્લ્ડ નામના વિસ્તારમાં આવી ઘટના બની છે.
આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ત્યાં જમા થઈ ગયા હતા. તેમજ ટીવી ચેનલો પણ પહોંચી ગઈ હતી.
આ અંગે લોસ એન્જલસ પોલીસે જણાવ્યું હતું કે, અમે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ની સાથે રહી તપાસ કરીએ છીએ.
આ પૂર્વે બે વર્ષ પહેલા સધર્ન કેલિફોર્નિયાના ટ્રક સ્ટોપ પાસેના બ્રિન્ક શહેરમાંથી ૧૦ કરોડ ડોલરની કિંમતનાં ઝવેરાત અને અન્ય મૂલ્યવાન વસ્તુઓની ચોરી થઇ હતી. તે ઘટનાને બે વર્ષ વીતી ગયા હોવા છતાંએ હજી સુધી ચોરો પકડાયા નથી.
લોસ એન્જલસ પોલીસના વડાએ એવું પણ સૂચન કર્યું હતું કે આવી કંપનીઓએ એલાર્મ સીસ્ટમ્સ રાખવી જ જોઈએ. સીસી ટીવી રાખવા જોઈએ તેમજ સીસ્મીક મોશન (પગના ધબકારા જાણી શકાતા) તિજોરીઓ ઉપર ગોઠવવી જોઈએ તેમજ સમગ્ર બિલ્ડીંગમાં પણ કોઇ પણ પ્રકારના ધબકારો પકડી શકે તેવા એડીશનલ મોશન સેન્સર્સ ગોઠવવા જ જોઈએ.