ઓસ્ટ્રેલિયાની જાણીતી યુનિવર્સિટીમાં કેમિકલ વિસ્ફોટ, 3 લોકો દાઝી જતાં અફરા-તફરી મચી
Australia News | યુનિવર્સિટી ઓફ સિડનીમાં રાસાયણિક વિસ્ફોટ થતાં 3 વ્યક્તિઓ ખરાબ રીતે દાઝી ગઇ હતી. જેના બાદ તેમને તાત્કાલિક ધોરણે યુનિવર્સિટીની મેડિકલ કૉલેજની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. ન્યુ સાઉથ વેલ્સ રાજ્યની ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમે તેનાં નિવેદનમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીનાં સ્પોર્ટ એક્વેટિક સેન્ટરમાં સવારે આ ઘટના બની હતી. તે પછી તાત્કાલિક ધોરણે જાણ કરાતાં અમારી બચાવ અને રાહત ટુકડી ત્યાં પહોંચી ગઈ હતી. અને દાહ પામેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. સદભાગ્યે તેમાં કોઈ જાન હાનિ થઇ નથી.
જેઓ દાઝી ગયા હતા તેમાં એક યુનિવર્સિટી સ્ટાફ મેમ્બર અને તેમની પાસે ઊભેલા બે નાગરિકો સામેલ છે. આ ઘટનાનું કારણ જણાવતાં યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વાસ્તવમાં આ એસિડ આધારિત રસાયણ લઇને અમારો એક સ્ટાફ મેમ્બર તેનાં ડીસ્પોઝ માટે જતો હતો. પરંતુ તેણે એક જ બકેટમાં બે જુદાં જુદાં રસાયણો ભર્યાં, તે રસાયણો વચ્ચે રસાયણિક પ્રક્રિયા શરૂ થઇ ગઈ તેથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થઇ અને આ વિસ્ફોટ થયો. તેથી તે બકેટ લઇ જતો યુનિવર્સિટીનો કર્મચારી સખત દાઝી ગયો હતો. એટલું જ નહીં પરંતુ માર્ગમાં તેની બાજુમાં આવતા બે રાહદારીઓ પણ દાઝી ગયા હતા. વિસ્ફોટ તો મોટો હતો છતાં કોઈ જાનહાની થઇ નથી તે જ પ્રભુની કૃપા.