AIથી ઉભા થતા જોખમને નાથવા ભારત સહિત 28 દેશોનો મોટો નિર્ણય, તમામે સમજુતી પર કર્યા હસ્તાક્ષર
UKમાં યોજાયેલી એઆઈ સેફ્ટી સમિટમાં 28 દેશોએ AIથી થતા જોખમોનું આંકલન કરવા સમજુતી પર હસ્તાક્ષર કર્યા
28 દેશો AIના ફાયદા-ગેરફાયદાઓનું આંકલન કરશે : અગાઉ એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, AI ૩૦ કરોડ નોકરીનો ભોગ લેશે
લંડન, તા.02 નવેમ્બર-2023, ગુરુવાર
વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence)ની ચર્ચાઓ વચ્ચે આજે 27 દેશોએ એક થઈને AI મામલે વાંધો ઉઠાવ્યો છે. આજે યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો મામલો મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત (India) સહિત 27 અન્ય દેશો અને યૂરોપીય સંઘે AIથી થતા જોખમોનું આંકલન કરવા એક થઈને કામ કરવાની સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.
બેઠકમાં આ દેશોના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
UKમાં યોજાયેલી એઆઈ સેફ્ટી સમિટ (UK AI Safety Summit)માં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચિલી, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, આયરલેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરબ, નેધરલેન્ડ, નાઈજીરીયા, ફિલિપાઈન્સ, કોરિયા ગણરાજ્ય, રવાંડા, સિંગાપુર, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કેઈ, યુક્રેન, સંયુક્ત આરબ અમીરાત, ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લેન્ડનું યુનાઈટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ હતા.
AIને નાથવાની અમેરિકાની પ્રથમ પહેલ
અમેરિકા વતી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આ એઆઈ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હેરિસે સમિટમાં એલાન કર્યું છે કે, અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ એઆઈ સેફ્ટી ઈન્સિટયુટ બનાવશે કે જે અમેરિકામાં એઆઈના વિકાસ માટેની ગાઈડલાઈન તૈયાર કરશે. આ ઈન્સિટયુટ એઆઈમાં ટેસ્ટ માટેના માપદંડ નક્કી કરશે અને ભવિષ્યમાં કઈ એઆઈ સિસ્ટમ્સ ખતરનાક સાબિત થઈ શકે છે તેનું મૂલ્યાંકન કરીને એઆઈના ખતરાને ઓછો કરવા માટે પ્રયત્ન કરશે. આ ઈન્સ્ટિટયુટની કામગીરીનો વ્યાપ બહુ મોટો છે અને આ તો સાદી સમજ છે. બાકી એઆઈને લગતી કાયદાકીય બાબતો તથા બીજા મુદ્દા અંગે પણ સરકારી એજન્સીઓને સલાહ અને માર્ગદર્શન આપવાથી માંડીને ખતરનાક લાગે એવી એઆઈ સિસ્ટમ્સને નાથવા સહિતની તમામ જવાબદારી આ સંસ્થાના માથે રહેશે.
બેઠકમાં 28 દેશોએ ભાગ લીધો
યુકે સરકાર દ્વારા નિવેદન જાહેર કરાયું છે, જેમાં ધ બૈલેચલે ડિક્લેરેશન શીર્ષકના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે, યુરોપીય સંઘ સહિત 28 દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત એઆઈથી ઉભા થનારા ખતરાઓ અંગે પણ ગંભીર ચેતવણી જારી કરી છે. યુકેના નિવેદનમાં જણાવાયું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સૌથી જરૂરી અને જોખમ ઉભી કરતું હોવાથી 28 દેશોએ AIથી ઉભી થતી તકો, જોખમો અને ફ્રન્ટિયર મામલે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂરીયાત પર સહમત થયા છે.
AIના ઉપયોગમાં વૃદ્ધિ થવાની સંભાવના
બૈલેચલી પાર્કની સમજુતીમાં એવું પણ જણાવાયું છે કે, વિવિધ સેક્ટરો જેવા કે આવાસ, રોજગાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, પહોંચ, ન્યાય જેવા રોજીંદા કામકાજમાં એઆઈના મહત્વ પર પણ ધ્યાન અપાશે અને તેના ઉપયોગમાં વૃદ્ધિ થવાની પણ સંબાવના છે.
...તો 30 કરોડ લોકો નવરા થઈ જશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અસરો વ્યાપક છે પણ વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફર્મ ગોલ્ડમેન સાક્સે એઆઈના કારણે ભવિષ્યમાં રોજગારી પર શું અસર પડશે તેનો લગભગ છ મહિના પહેલાં એક રિપોર્ટ બહાર પાડેલો. આ રીપોર્ટમાં આગાહી કરેલી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ૩૦ કરોડ નોકરીઓનો ભોગ લઈ લેશે, મતલબ કે ૩૦ કરોડ લોકો બેકાર થઈ જશે. વિશ્વમાં અત્યારે કુલ વર્કફોર્સ ૩૩૮ કરોડ લોકોની છે. મતલબ કે, દુનિયામાં ૩૩૮ કરોડ લોકો જુદાં જુદાં કામો સાથે સંકળાયેલાં છે. આ વર્કફોર્સમાંથી ૩૦ કરોડ એટલે કે લગભગ ૮ ટકા લોકો એઆઈના કારણે બેકાર થઈ જશે એવો દાવો રીપોર્ટમાં કરાયેલો. હાલની નોકરીઓમાથી લગભગ બે તૃતિયાંશ નોકરીઓ ઓછાવત્તા અંશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે જ્યારે ૨૫ ટકા નોકરીઓ માટે માણસો જ નહીં જોઈએ. ક્લિનિંગ, મેઇન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન, રિપેર અને કન્સ્ટ્રકશન જોબમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થશે. 'ધ પોટેન્સિયલ લાર્જ ઇફેક્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓન ઇકોનોમિક ગ્રોથ' ટાઇટલ સાથેના રીપોર્ટમાં દાવો કરાયેલો કે, એઆઈ સાથેના રોબોટ મોટા ભાગનાં ઓફિસ વર્ક કરી લે એવા છે તેથી ઓફિસને લગતાં મોટા ભાગનાં કામો રોબોટ જ કરતા હશે તેથી એડમિનિસ્ટ્રેશન અને લીગલ સેક્ટરમાં તો ધડાધડ લોકો બેકાર થશે. આ બંને સેક્ટરમાં તો લગભગ ૫૦ ટકા નોકરીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ ખાઈ જશે. સ્કીલ્ડ મેન્યુફેક્ચરિંગ સિવાયના અને ખાસ તો ઓફિસ વર્ક હોય એવાં બીજાં તમામ સેક્ટર્સ પર એઆઈની અસર પડશે.
ટેક ધુરંધરો એઆઈ પર પ્રતિબંધની તરફેણમાં: રિપોર્ટ
સ્ટીવ વોઝનિયાક અને એલન મસ્ક સહિત ૧૦૦૦થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપમેન્ટ પર પ્રતિબંધની માગ કરી હતી. આ લોકોની દલીલ હતી કે, ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સંપૂર્ણપણે બેકાબૂ બની જાય એવો ખતરો હોવાથી પાણી પહેલાં પાળ બાંધીને તેના વિકાસ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. આ પત્રમાં લખાયું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય કામોમાં પણ લોકોની જગા લઈ રહ્યું છે ત્યારે આપણે મશીનોને આપણી ઈન્ફર્મેશન ચેનલોમાં કુપ્રચાર માટેની સામગ્રી અને ખોટી માહિતી ભરવા દેવી જોઈએ ? આપણે તમામ કામોને ઓટોમેશન પર નાંખી દેવા જોઈએ ? આપણે એવાં નોન-હ્યુમન મગજ વિકસાવવાં જોઈએ કે જે આપણું સ્થાન લઈ શકે ?
.
.
.
.
.
.
.
.
.
.
.
Australia, Brazil, Canada, Chile, France, Germany, India, Indonesia, Ireland, Israel, Italy, Japan, Kenya, Saudi Arabia, Netherlands, Nigeria, Philippines, Republic of Korea, Rwanda, Singapore, Spain, Switzerland, Turkey, Ukraine, United Arab Emirates, United Kingdom of Great Britain and Northern Ireland, United States of America, European Union