ચાર બંધકોને બચાવવા ઈઝરાયેલના હુમલામાં 274 પેલેસ્ટિનિયન નાગરિકોનાં મોતથી હડકંપ

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
ચાર બંધકોને બચાવવા ઈઝરાયેલના હુમલામાં 274 પેલેસ્ટિનિયન નાગરિકોનાં મોતથી હડકંપ 1 - image


7 ઓક્ટોબર પછી ઈઝરાયેલનો સૌથી ભીષણ હુમલો

ઈઝરાયેલના અનેક બંધકો હજી હમાસના તાબામાં, બંધકો રહેણાંક વિસ્તારોમાં રખાયા હોવાથી બચાવકાર્ય મુશ્કેલ

ડેર અલ-બલાહ : ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હમાસના તાબામાં રહેલા ચાર બંધકોેને બચાવવા ઈઝરાયેલના હુમલા દરમ્યાન ઓછામાં ઓછા ૨૭૪ પેલેસ્ટિયનોના મોત થયા હતા જ્યારે સાતસોથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈઝરાયેલના લશ્કરે આપેલી જાણકારી મુજબ ગાઝામાં ઊંડે સુધી દિવસ દરમ્યાન કરાયેલા હુમલામાં તેણે ભારે ગોળીબારીનો સામનો કરવો પડયો હતો. ઈઝરાયેલમાં ચાર બંધકોની મુક્તિની ભારે ઉજવણી કરવામાં આવી હતી. ફેબુ્રઆરીમાં બે બંધકો બચાવવા કરાયેલા હુમલા દરમ્યાન લગભગ ૭૪ પેલેસ્ટિયનો માર્યા ગયા હતા. બચાવ કામગીરીમાં ઈઝરાયેલના એક લશ્કરી અધિકારીનું પણ મોત થયું હતું.

બંધકોને બચાવવાના હેતુથી નુસરત નિરાશ્રીત કેમ્પ પર કરાયેલી તાજેતરની કાર્યવાહી ૭ ઓક્ટોબર પછી ગાઝા પર કરાયેલો સૌથી ભીષણ હુમલો હતો. ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલામાં આશરે ૧,૨૦૦ લોકોના મોત થયા હતા જ્યારે લગભગ ૨૫૦ જેટલા લોકોને બંધક બનાવાયા હતા. ત્યાર પછી ઈઝરાયેલના હુમલામાં ૩૬ હજારથી વધુ પેલેસ્ટિયનોના મોત થયા છે.

બંધકો નોઆ આર્ગામની (૨૬), એલમોગ મેર જેન (૨૨), એન્ડ્રે કોઝલોવ (૨૭) અને શ્લોમી ઝીવ (૪૧)ને ભારે ગોળીબારી વચ્ચે બચાવી લેવાયા હતા. આર્ગામનીના અપહરણનો વીડિયો ભારે વાયરલ થયો હતો. તેને સંગીત જલસામાંથી ઉપાડી જવામાં આવી હતી. તેની મુક્તિ પછી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી છે જ્યાં તેની માતાની પણ સારવાર થઈ રહી છે.

બીજી તરફ અગાઉના હુમલાથી ભરચક ગાઝાની હોસ્પિટલોમાં નવા ઈજાગ્રસ્તોના પ્રવેશથી વધુ બોજ પડી રહ્યો છે. ડોક્ટરોએ ગંભીર ઈજાગ્રસ્તોમાં ગંભીર જખમો અને દાઝવાના કેસો હોવાનું જણાવ્યું છે.

ઈઝરાયેલી સૈન્યએ આપેલી માહિતી અનુસાર બંધકોને નુસરત કેમ્પમાં બે અલગ એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યા હતા. 

બંને એપાર્ટમેન્ટ એકબીજાથી લગભગ ૨૦૦ મીટર દૂર હતા. ઈઝરાયેલી દળોએ એપાર્ટમેન્ટના મોડલ પર હુમલો કરવાની વારંવાર તાલીમ લીધી હતી.

 દિવસ દરમ્યાન ઈઝરાયેલી દળો બંને એપાર્ટમેન્ટમાં એકસાથે ધસી ગયા હતા, પણ તેમણે આજુબાજુના એપાર્ટમેન્ટમાંથી ભારે ગોળીબારી અને ગ્રેનેડ હુમલાનો સામનો કરવો પડયો હતો. ઈઝરાયેલી દળોએ બંધકોને બચાવી લેવા હવાઈ હુમલા સહિત પૂરી શક્તિથી તેનો પ્રતિસાદ આપ્યો હતો.

ઈઝરાયેલની કામગીરીની ટીકા સામે તેના વિદેશ મંત્રાલયે ઉગ્ર પ્રતિસાદ આપતા કહ્યું કે હજી અમારા નાગરિકો પર હમાસનું જોખમ તોળાય રહ્યું છે.  માત્ર ઈઝરાયેલના શત્રુઓ જ હમાસ અને તેના સહયોગીઓને થયેલા નુકસાનનો અફસાસ કરે છે.

૭ ઓક્ટોબરના હુમલા પછી અપહરણ કરાયેલા ૨૫૦ બંધકોમાંથી લગભગ અડધાને નવેમ્બરના યુદ્ધ વિરામમાં છોડી મુકવામાં આવ્યા હતા. હજી ૧૨૦ બંધકો હમાસના તાબામાં હોવાનું માનવામાં આવે છે જ્યારે ૪૩ જણાના મોત થયા હોવાની જાણકારી મળી હતી. બચી ગયેલામાં ૧૫ મહિલા, બે પાંચ વર્ષથી ઓછી વયના બાળકો અને બે ૮૦થી વધુ વયના વયસ્કો છે.



Google NewsGoogle News