22000 કિલો સોના-ચાંદીનો ભંડાર, આવા 250 જહાજ દરિયામાં સમાયા, પુરાતત્વવિદનો દાવો
Image Twitter |
22000 KG Gold and Silver Reserves: ખજાનો શોધવાનું સાહસ કરતા લોકોને લોટરી લાગી શકે છે. પોર્ટુગલ પાસેના દરિયામાં સમયાંતરે આશરે 250 જહાજો ડૂબી ગયેલા છે. જેમાના એક જહાજ પર આશરે 22 ટન સોનું અને ચાંદી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ દાવો કર્યો છે આર્કિયોલોજિસ્ટ એલેક્ઝાન્ડર મોન્ટેરોએ. પરંતુ મુખ્ય મુશ્કેલી એ છે કે પોર્ટુગલ પાસે આ ખજાનાને સુરક્ષિત રાખવા માટેની સુવિધાઓ અને ટેકનોલોજીનો અભાવ છે. જેના કારણે આ ખજાનો અન્ય કોઈ લૂંટી જશે તેવો ડર પણ છે.
દરિયામાં ડૂબેલા 250 જહાજોમાં છે અઢળક ખજાનો
પોર્ટુગીઝ પુરાતત્વવિદ્ એલેક્ઝાન્ડર મોન્ટેરોએ આ અંગે દાવો કર્યો છે કે, 'પોર્ટુગલની આસપાસના દરિયામાં 250 જહાજો ડૂબી ગયા હતા, જેમાં ખજાનો ભરેલો હતો. એક જહાજમાં આશરે 22 ટન સોનું અને ચાંદી હશે.' મોન્ટેરોનું કહેવું છે કે, જેને આ ખજાનો મળશે તે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ બની શકે છે.
મોન્ટેરોએ દાવો કર્યો હતો કે, નોસા સેનહોરા ડુ રોઝારિયાના દરિયાઈ વિસ્તારમાં વર્ષ 1589માં લિસ્બનની દક્ષિણમાં ટ્રોજન દ્વીપકલ્પ પાસે સ્પેનિશ ગેલિયન જહાજ ડૂબી ગયું હતું. અને તેમાં 22 ટન સોનું અને ચાંદી હોવાનું માનવામાં આવે છે. મોન્ટેરોનું કહેવું છે કે તેણે એક ખાસ પ્રકારનો ડેટાબેઝ બનાવ્યો છે.
દરિયામાં ડુબેલા છે 8620 જહાજો
આ ડેટાબેઝમાં મડેઇરા, અઝોરસ અને દેશના અન્ય વિસ્તારોમાં ખજાનો વહન કરતા જહાજો ક્યાં ક્યાં ડૂબ્યા છે તેની વિગતો ભેગી કરાઈ છે. મોટેભાગે આ તમામ જહાજો 16મી સદીમાં ડૂબી ગયા હતા. પોર્ટુગલની આસપાસ ડૂબી ગયેલા જહાજોની સંખ્યા લગભગ 8620 છે. સવાલ એ છે કે, પોર્ટુગલ પાસે આ ખજાનાને સુરક્ષિત રાખવા અને સાચવવાની સુવિધા નથી.
ખજાનાની સુરક્ષા કરવી સૌથી મોટો પ્રશ્ન
દેશના અન્ય પુરાતત્વવિદોનું કહેવું છે કે, 'ખજાનાની લૂંટ કરનારાઓ આ દરિયામાં ડૂબેલા આ જહાજોમાંથી ખજાનો લઈ જઈ શકે છે. તેમને કોઈ રોકી શકશે નહીં. જેથી પહેલાતો આવા જહાજોની શોધખોળ કરી તેને સુરક્ષિત કરવા જોઈએ. ત્યાર બાદ ખજાનાને બહાર કાઢીને યોગ્ય અને સુરક્ષિત જગ્યાએ રાખવો જોઈએ'