સમગ્ર યુરોપ કાતિલ ઠંડીના ભરડામાં, સ્વીડનમાં તાપમાનનો પારો માઈનસ 43.6 ડિગ્રી પર પહોંચ્યો
image : twitter
સ્ટોકહોમ,તા.5 જાન્યુઆરી 2024,શુક્રવાર
નવા વર્ષની શરુઆત સાથે જ સમગ્ર યુરોપને ઠંડીએ પોતાના કાતિલ ભરડામાં લીધુ છે.
સ્વીડનમાં તો ક્વિક્કજોક અરેનજારકા નામના વિસ્તારમાં પારો માઈનસ 43. 6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. છેલ્લા 25 વર્ષમાં નોંધાયેલુ આ સૌથી ઓછુ તાપમાન છે . ઠંડી અને બરફના તોફાનના કારણે યુરોપમાં ઘણી સ્કૂલો બંધ કરવાની ફરજ પડી છે. પશ્ચિમ યુરોપમાં જોશભેર ફૂંકાતા પવનો અને વરસાદે લોકોની મુસિબત વધારી છે.
યુરોપના નોર્ડિક તરીકે ઓળખાતા વિસ્તારોમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો શૂન્યથી 40 ડિગ્રી નીચે રહ્યો હતો. આ વિસ્તારમાં સંખ્યાબંધ પુલો બંધ કરવા પડ્યા છે તેમજ ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે. ડેનમાર્કમાં પોલીસે વાહન ચાલકોને બીનજરુરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. યુરોપને અડીને આવેલા પશ્ચિમ યુરોપમાં પણ તાપમાનનો પારો માઈનસ 30 ડિગ્રી સુધી પહોંચ્યો છે.
સ્વીડનમાં બુધવારે છેલ્લા 25 વર્ષોમાં જાન્યુઆરી મહિનાની સૌથી ઠંડી રાત લોકોએ પસાર કરી હતી. તાપમાનનો પારો ગગડવાના કારણે પાઈપલાઈનોમાં પાણી જામી ગયુ હોવાથી કેટલાક વિસ્તારોમાં જળસંકટ પણ સર્જાયુ છે. સ્વીડનના ટામ્પરે શહેરમાં લોકોને પાણી વગર રહેવાનો વારો આવ્યો છે. આગામી કેટલાક દિવસો સુધી શહેરના લોકોને પાણી વગર રહેવુ પડે તેમ છે.
બીજી તરફ બ્રિટન, આયરલેન્ડ અને નેધરલેન્ડમાં હેન્ક વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.