માલદીવમાં ફરજ પર તહેનાત 25 ભારતીય સૈનિકોની વતન વાપસી, શું મુઈજ્જુનો પ્લાન સફળ થયો?
25 ભારતીય સૈનિકોએ 10 માર્ચ પહેલા જ ટાપુ છોડી દીધો
ચીન સમર્થક રાષ્ટ્રપતિ મુઈજ્જુએ ચુંટણીમાં વચન આપ્યું હતું
માલદીવ, 13 માર્ચ,2024, બુધવાર
માલદીવમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો વતન પાછા ફરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ અંગે માલદીવના મીડિયાએ દાવો કર્યો હતો કે વિમાનોનું સંચાલન કરી રહેલા ભારતીય સૈનિકોને પાછા બોલાવી લેવાયા છે. માલદીવના સમાચારપત્ર મિહારુના અહેવાલ મુજબ એડ્ડુ એરપોર્ટ પર તૈનાત ૨૫ ભારતીય સૈનિકોએ ૧૦ માર્ચ પહેલા જ ટાપુ છોડી દીધો છે.
રાષ્ટ્રપતિ મુઈજ્જુ માલદીવમાં સમુદ્રી સીમાનું રક્ષણ કરતા ભારતીય સૈનિકોને દૂર કરવાનું વચન આપીને ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં સત્તા પર આવ્યા હતા. ઉલ્લેખનીય છે માલદીવના રાષ્ટ્ર્પતિ મોહમ્મદ મુઈજ્જુએ ચુંટણી પહેલા અને ચુંટણી ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવ્યું હતું. મુઈજ્જુ ચીનના સમર્થક રહયા હોવાથી તેમની સરકારના મંત્રીઓ ભારત વિરોધી નિવેદનો કરીને ચીનને ખૂશ કરતા રહયા છે.
મુઈજ્જુએ માલદીવમાં ફરજ બજાવતા ભારતના સૈનિકોને હટાવી લેવા માટે ૧૫ માર્ચ સુધીની સમય સીમા નકકી કરી હતી.રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે ચીનની મુલાકાત લીધી હતી. ત્યાર પછી ચીનનું એક જહાજ માલદીવ સુધી ખેપ મારવા આવ્યું હતું. માલદીવમાં ભારતીય સેનાની એક નાની ટુકડી જે ટોહી વિમાનોની સાથે એક ટુકડી હિંદ મહાસાગરમાં ચોકી સંભાળતી હતી. એક અહેવાલ મુજબ માલદીવમાં ભારતના ૮૮ જેટલા સૈનિકો છે.
ભારતીય નૌકા સેનાનું એક ડોર્નિયર વિમાન અને બે હેલિકોપ્ટર માલદીવમાં ગોઠવેલા છે જે આસપાસના નાના મોટા ૨૦૦ ટાપુઓના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવની સેવા કરે છે. આ ઉપરાંત ભારતીય વિમાનો માલદીવના ઇકોનોમિક ઝોનમાં ગેર કાયદેસર માછલી પકડવાની પ્રવૃતિઓ પર નજર રાખે છે. માલદીવના નેશનલ ડિફેન્સ ફોર્સ (એમએનડીએફ)એ પણ ભારતીય સૈનિકોની વાપસીની પુષ્ઠી કરી છે જો કે માલદીવ કે ભારતીય અધિકારીઓએ આ અંગે કોઇ જ અધિકૃત માહિતી આપી નથી.