'મારો પતિ મને મારી નાંખશે...', લંડનમાં મૂળ ભારતીય મહિલાની હત્યા, પરિવારનો જમાઈ પર આરોપ
Harshita Brella Murder Case: લંડનમાં રહેતી 24 વર્ષની ભારતીય મહિલા હર્ષિતા બ્રેલ્લાની હત્યાનો મામલો સામે આવ્યો છે. તેનો મૃતદેહ 14 નવેમ્બરે એક કારની ડેકીમાંથી મળી આવ્યો હતો. હર્ષિતાની માતા સુદેશ કુમારીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી દીકરીએ થોડા અઠવાડિયા પહેલાં જણાવ્યું હતું કે, મારો પતિ મને મારી નાંખશે. હર્ષિતાએ પોતાની માતાને કહ્યું હતું, 'હું તેની પાસે પરત નહીં જઉ. તે મને મારી નાંખશે. મારો પતિ (પંકજ લામ્બા) મારી જિંદગી માટે નરક બની ગયો છે.'
હર્ષિતાના પરિવારનો આરોપ
હર્ષિલા બ્રેલ્લા આ વર્ષે એપ્રિલમાં ભારતથી લંડન ગઈ હતી. તેના લગ્ન પંકજ લામ્બા સાથે ઓગસ્ટ, 2023માં થયા હતાં. પોલીસનું કહેવું છે કે, હર્ષિતાની હત્યા કરતાં પહેલાં ગળું દબાવીને મારવામાં આવી હતી. પોલીસે પંકજ લામ્બાને મુખ્ય આરોપી બનાવ્યો છે, પરંતુ તે હાલ ભારતમાં છે. હર્ષિતાના પરિવારનો આરોપ છે કે, બ્રિટિશ પોલીસે તેની મદદ માટે કોઈ પગલું ન લીધું. વળી, સ્થાનિક પોલીસનું કહેવું છે કે, બ્રિટિશ અધિકારીઓએ હજુ સુધી ભારતને મદદ માટે સંપર્ક નથી કર્યો.
આ પણ વાંચોઃ ભારતમાં બેસીને લોકોને ગાયબ કરાવી રહ્યા છે શેખ હસીના, 3500 ગુમ: બાંગ્લાદેશનો આરોપ
પતિની હિંસાના કારણે થયો ગર્ભપાત
હર્ષિતાના પિતા સતબીર બ્રેલ્લાએ પણ પોતાના જમાઈ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, પંકજ લામ્બાએ હર્ષિતાને એટલી ખરાબ રીતે મારી હતી કે, ગર્ભાવસ્થામાં તેનું ગર્ભપાત થઈ ગયું હતું. મારી દીકરીએ અનેક વાર જણાવ્યું હતું કે, પંકજ તેને જાહેરમાં મારતો અને તે ખૂબ રડતી હતી.
ઘરેલુ હિંસાના મામલે થઈ હતી ધરપકડ
આ મામલે એવું પણ સામે આવ્યું છે કે, હર્ષિતાએ ઓગસ્ટ 2023માં પોલીસમાં ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પંકજ લામ્બાની 3 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેને જામીન મળી ગઈ હતી. આ મામલે ઘરેલુ હિંસા રોકવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.
જોકે, પંકજ લામ્બાની માતા, સુનીલ દેવીએ મીડિયાને જણાવ્યું કે, 'હું વિશ્વાસ નથી કરી શકતી કે મારો દીકરો હર્ષિતાને મારી શકે. મને કંઈ ખબર નથી. પરંતુ, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, તેણે આવું કંઈક કર્યું હશે.'
નોંધનીય છે કે, હર્ષિતા બ્રેલ્લાની હત્યાએ બ્રિટનમાં ઘરેલુ હિંસાના મામલે ગંભીર સવાલ ઊભા કર્યા છે. બ્રેલ્લા પરિવાર હાલ ન્યાયની રાહ જોઈ રહી છે.