પાકિસ્તાનમાં ત્રણ સપ્તાહમાં ઠંડીથી ઠુંઠવાઈને 220 બાળકોનાં મૃત્યુ
- પાકમાં મહિનામાં ન્યૂમોનિયાના 10,500 કેસ નોંધાયા
- પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગયા વર્ષે 990 બાળકો ન્યૂમોનિયાથી મૃત્યુ પામ્યા હતા
નવી દિલ્હી : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં ઠંડીથી ઠુંઠવાઈને ૨૦૦થી પણ વધુ બાળકો મોતને ભેટયા છે. આ મોત ન્યૂમોનયિાના લીધે થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ પાકિસ્તાનમાં પડતી જબરદસ્ત ઠંડી છે. બાળકોના મોતનો આ આંકડો વિપક્ષ કે મીડિયાએ આપ્યો નથી પણ પાકની કેરટેકર સરકારે પોતે આ વાતને સ્વીકારી છે.
પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતમાં કેરટેકર સરકારે જણાવ્યું છે કે મોટાભાગના બાળકોના મોતનું કારણ કુપોષણ છે. તેની સાથે મૃત્યુ પામનારા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી પણ લગાવવામાં આવી ન હતી. તેના લીધે આ બાળકોની રોગપ્રતિરોધક ક્ષમતા ઘણી નબળી હતી.
પંજાબ સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે સ્કૂલોમાં મોર્નિંગ એસેમ્બલી આ મહિનાની ૩૧ તારીખ સુધી યોજવામાં ન આવે. ઠંડીના લીધેઆ નિર્ણય લેવો પડયો છે.
આ વર્ષે પહેલી જાન્યુઆરીની શરુઆતથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અત્યાર સુધી કુલ દસ હજાર ૫૦૦ના લગભગ ન્યૂમોનિયાના કેસ નોંધાઈ ચૂક્યા છે. આ મહિનામાં ૨૨૦ બાળકોના જીવ ન્યૂમોનિયાના લીધે ગયા છે. તેમાથી ૪૭ મોત લાહોરમાં થયા છે.
આ રીતે બાળકોના મોત કેરટેકર એટલે કે કાર્યકારી સરકારની તકલીફ વધારી શકે છે. પાકિસ્તાનમાં સરકારે લોકોને જણાવ્યું છે કે તે બાળકોને માસ્ક પહેરાવે અને હાથને બરોબર ધોતા રહે. ગયા વર્ષે પંજાબમાં ૯૯૦ બાળકોના મોત ન્યૂમોનિયાના લીધે થયા હતા.પાક સરકાર તે પ્રયત્નોમાં લાગેલી છે કે લોકોને શક્ય તેટલી વધુ ઝડપથી આરોગ્યની સગવડ પૂરી પાડીને આ પ્રકારની ચિંતાઓનો સામનો કરી શકે.