હજ યાત્રા કરવા સાઉદી અરેબિયા ગયેલા 22 હજ યાત્રીઓના હીટવેવના કારણે મોત
Image Source: Twitter
Haj pilgrims Death: સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન આ વખતે હીટ સ્ટ્રોકે તબાહી મચાવી દીધી છે. આ વખતે ગરમીએ કહેર વરસાવ્યો છે. આ આકરી ગરમીના કારણે 22 હજ યાત્રીઓના મોત થઈ ગયા છે.સતત વધી રહેલા મૃતક આંક બાદ સાઉદી સરકારની વ્યવસ્થાની પોલ ખુલી ગઈ છે. આ સાથે જ દુનિયાભરના લોકો સાઉદી સરકાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો પણ વાયરલ થયા છે જેમાં આ આકરી ગરમીમાં રસ્તા પર મૃતદેહો પડેલા જોઈ શકાય છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે હજ યાત્રા દરમિયાન ગરમી લાગવાથી બીમાર થયેલા 2,700થી વધુ મામલાની પુષ્ટિ કરી છે.
જોર્ડનની એક સમાચાર એજન્સીએ રવિવારે જણાવ્યું હતું કે, હજ યાત્રા પર સાઉદી ગયેલા દેશના 14 લોકોના લૂ લાગવાથી મોત થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રસ્તા પર અનો ડિવાઈડર પર મૃતદેહો પડેલા નજર આવી રહ્યા છે. જોકે, આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ નથી થઈ શકી. ઈજિપ્તની એક 61 વર્ષીય હજ યાત્રી અઝા હામિદ બ્રાહિમે જણાવ્યું કે, રસ્તા પર પડેલા મૃતદેહોને મેં જોયા છે, એવું લાગે છે જેમ કે, સાઉદીમાં કયામત આવી ગઈ છે.
સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં થઈ રહેલા મૃત્યુ અને ત્યારબાદ મૃતદેહોની ગેરવ્યવસ્થાને લઈને લોકો સોશિયલ મીડિયા પર સાઉદી અરેબિયાની ટીકા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર રસ્તાના કિનારે પડેલા મૃતદેહોનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ સાથે જ સવાલ કરવામાં આવ્યો છે કે, શું આના માટે સાઉદી શાસનને જવાબદાર ઠેરવવામાં આવશે? જ્યારે સાઉદી ઈસ્લામિક પર્યટનને પ્રમોટ કરે છે અને અબજોની કમાણી કરે છે.
ગ્રાન્ડ મસ્જિદનું તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ
સાઉદીના હવામાન વિભાગે જણાવ્યું કે સોમવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદનું તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. યાત્રાળુઓ આ સ્થળે પરિક્રમા કરે છે. બીજી તરફ ગ્રાન્ડ મસ્જિદ પાસે સ્થિત મીનાનું તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ સ્થાન પર હજ યાત્રીઓ ત્રણ કોંક્રિટ દિવાલો પર શેતાનને પથ્થર મારવાની રસમ અદા કરે છે. આ સ્થળે લોકો ગરમીના કારણે માથા પર બોટલથી પાણી નાખતા જોવા મળ્યા હતા. શેતાનને પથ્થર મારવાની રસમને હજ યાત્રાનો અંતિમ તબક્કો માનવામાં આવે છે, ત્યારબાદ હજ યાત્રા સમાપ્ત થઈ જાય છે.
સાઉદીમાં ભારતના એક હજ યાત્રીનું મોત
બીજી તરફ જોર્ડનના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પ્રચંડ ગરમીના કારણે 14 જોર્ડની હજ યાત્રીઓના મોત થયા છે અને 17 અન્ય ગુમ છે. ઈરાને 5 હજ યાત્રીઓના મોત થયા હોવાની જાણકારી આપી છે. સાઉદી અરેબિયા સ્થિત ઈન્ડોનેશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે તેમના દેશના 136 હજ યાત્રીઓ મૃત્યુ પામ્યા છે, જેમાંથી ત્રણના મોત ગરમીના કારણે થયા છે. આ વખતે ભારતના 1 લાખ 75 હજાર હજ યાત્રી સાઉદી પહોંચ્યા છે. તેલંગાણાના એક હજ યાત્રીનું મોત થયુ હોવાની માહિતી સામે આવી છે. તેને લઈને નામપલ્લી સ્થિત હજ હાઉસ પર લોકોએ પ્રદર્શન કર્યું છે.