સંસદ પર હુમલા બાદ કુર્દીશ વિસ્તારો પર તુર્કીની એરસ્ટ્રાઈકમાં 22 વિસ્તારો તબાહ
image : Twitter
અંકારા,તા.5 ઓક્ટોબર 2023,ગુરૂવાર
તુર્કીની રાજધાની અંકારામાં સંસદ પાસે થયેલા આતંકી હુમલા બાદ રોષે ભરાયેલા તુર્કીએ ભારતનો રસ્તો અપનાવીને કુર્દ બળવાખોરો પર એર સ્ટ્રાઈક શરુ કરી છે.
તુર્કીએ કુર્દીશ બળવાખોરોના 22 ઠેકાણા તબાહ કરી દીધા હોવાનો દાવો કર્યો છે. તુર્કીએ કહ્યુ હતુ કે ,ઉત્તરી ઈરાકમાં કુર્દીશ લોકોના વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. જોકે તેમાં જાન માલનુ કેટલુ નુકસાન થયુ છે તેનો આંકડો સામે આવ્યો નથી.
તુર્કીની સંસદ પાસે થયેલા વિસ્ફોટની જવાબદારી તુર્કી સામે જંગે ચઢેલા કુર્દીશ બળવાખોરોએ સ્વીકાર્યા બાદ તુર્કીના વિદેશ મંત્રી હકાન ફિદાને સિરિયા અને ઈરાકમાં કુર્દીશ વિસ્તારો પર હુમલા કરવાની ધમકી આપી હતી.
તેમનુ કહેવુ હતુ કે, સંસદ પર હુમલો કરવા માટે આવેલા બે આત્મઘાતી હુમલાખોરો સીરિયાથી આવ્યા હતા અને તેમને હુમલા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
તુર્કી અને કુર્દીસ્તાન વચ્ચે બહુ જૂનો વિવાદ છે. બીજા વિશ્વયુધ્ધ બાદ સીરિયા, ઈરાક, ઈરાન, તુર્કી અને આર્મેનિયા જેવા દેશો અલગ થઈ ગયા હતા. આ દેશોમાં કુર્દ લોકોની લગભગ સાડા ત્રણ કરોડ વસતી હોવાનુ કહેવાય છે. કુર્દીશ લોકો પોતાના માટે અલગ દેશની માંગણી કરી રહ્યા છે. અલગ દેશનો કેટલોક હિસ્સો તુર્કીમાં આવતો હોવાનુ કુર્દ લડાકુ સંગઠનો દાવો કરે છે અને તેને લઈને તુર્કી અને કુર્દીશ સમુદાય વચ્ચે વર્ષોથી ટકરાવ ચાલી રહ્યો છે.