પાક.ની જેલમાં ભારતના 217 માછીમાર અને 49 નાગરિકો કેદ જ્યારે ભારતમાં 381 પાકિસ્તાની કેદ
India vs Pakistan News | પાકિસ્તાનની જેલમાં 217 માછીમાર અને 49 ભારતીય કેદીઓ સબડી રહ્યા છે. તેમની સજાનો સમયગાળો પૂરો થતાં તેમને ભારત પરત મોકલવા પાકે. જણાવ્યું છે. ભારતે પાક.ને માછીમાર સહિત 18 ભારતીય કેદીઓને તાત્કાલિક ધોરણે રાજદૂતાવાસના સંપર્કની સગવડ આપવા જણાવ્યું છે. ભારતે પણ તેની કસ્ટડીમાં 381 પાક કેદીઓ અને માછીમાર હોવાનું જણાવ્યું છે.
ભારત અને પાકિસ્તાન 2008માં થયેલી સંધિ હેઠળ દર વર્ષે પહેલી જાન્યુઆરીએ અને પહેલી જુલાઈના રોજ બંને દેશની જેલોમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીની આપલે કરે છે.તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે ભારતીય કેદીઓ, માછીમારોને વહેલા છોડવા અને સ્વદેશ પરત મોકલવા જણાવ્યું છે. આ ઉપરાંત માછીમારોની જપ્ત કરેલી બોટો પરત કરવાની સાથે પાક.ની જેલમાંથી ગુમ ભારતીય સંરક્ષણ કર્મચારીને પણ વહેલા મોકલવા જણાવ્યું છે.
ભારતે પાક.ને ખાસ વિનંતી કરી છે કે બધા જ ભારતીય કેદીઓ અને માછીમારોની સલામતી, સુરક્ષા અને કલ્યાણનો ખાસ ખ્યાલ રાખવામાં આવે. તેની સાથે બંને દેશના કેદીઓ અને માછીમારોને વહેલા છોડવામાં આવે. આ સંદર્ભમાં ભારતે પાકિસ્તાનને વિનંતી કરી છે કે તેની જેલમાં બંધ 76 પાકિસ્તાની કેદીઓ અને માછીમારોની રાષ્ટ્રીયતા સુનિશ્ચિત કરે અને પછી તેને પરત લઈ જાય. તેમની રાષ્ટ્રીયતા નક્કી થશે નહીં ત્યાં સુધી તેમને પરત નહીં મોકલાય.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે 2014 પછી સરકારના પ્રયત્નોના લીધે 2639 ભારતીય માછીમાર અને 71 ભારતીય કેદીઓને પરત લાવી શકાયા છે. તેમા 418 ભારતીય માછીમાર, 13 ભારતીય કેદીને 2023થી આજની તારીખ સુધીમાં પરત લવાયા છે.
આ ઉપરાંત બંને દેશોએ એકબીજાના પરમાણુ કેન્દ્રોની માહિતીની આપલે કરી હતી. બંને દેશોએ એકબીજાના પરમાણુ કેન્દ્રો પર હુમલા ન કરવાના ત્રણ દાયકા જૂના કરારને આજે પણ જારી રાખ્યો છે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. આ કરાર 31 ડિસેમ્બર 1988માં થયો હતો અને 27 જાન્યુઆરી 1991થી અમલી બન્યો હતો. પહેલી જાન્યુઆરી 1992થી યાદીની આપલેના પ્રારંભ પછી આ 34મી આપલે હતી. કાશ્મીરના મુદ્દે આતંકવાદી હુમલાઓને લઈને બંને દેશ વચ્ચેના સંબંધ તળિયે પહોંચ્યા હોવા છતાં આ કરાર જળવાઈ રહ્યો છે.