અમેરિકાએ કાઢી મૂકેલા 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયો આજે વતન પરત ફરશે
US Deport news | અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા દુનિયાભરના લોકોને વતન પરત કરવામાં આવશે એવી ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં વાત કરી હતી. આ પછી તેમણે સત્તા ઉપર આવ્યા બાદ અમેરિકામાં દરોડા પડાવી સેંકડો ઘુસણખોરોને પકડવા શરૂ કરી વતન પરત કરવા કવાયત હાથ ધરી છે. આ કવાયતના ભાગરૂપે 205 ભારતીય ઘુસણખોરોને લઇ એક મીલીટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું આ એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ ઉપર ઉતરાણ હાથ ધરશે. પંજાબ પોલીસને ઉતરાણ બાદ ઘુસણખોરી કરનાર તમામની પૂછપરછ કરવા માટે, એમાંથી કોઈ વ્યક્તિ વોન્ટેડ હોય તેની સામે કેસ નોંધાયેલા હોય તો તેને કસ્ટડીમાં લેવાની સૂચના આપવામાં આવી છે.
33 ગુજરાતીઓ પણ પરત આવશે
ઉલ્લેખનીય છે કે 205 ભારતીયોમાં 33 તો ગુજરાતના છે જેઓ અમેરિકાથી પાછા આવી રહ્યા છે. આજે બપોરે આ લોકો અમૃતસર આવી પહોંચશે. અમેરિકાથી પાછા મોકલાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના છે જેમાં મહેસાણા અને ગાંધીનગરમાંથી 12-12 લોકો પરત આવશે. જ્યારે સુરતના 4 અને અમદાવાદના 2 લોકો સામેલ હોવાનું ખુલ્યું છે. જ્યારે વડોદરા, ખેડા અને પાટણની 1-1 વ્યક્તિ આ વિમાનમાં સામેલ છે.
અમેરિકન મીલીટરીનું સી-17 એરક્રાફ્ટ આ ભારતીયોને લઇ સેન એન્ટોનિયો, ટેક્સાસ ખાતેથી ભારતીય સમય અનુસાર પરોઢિયે ત્રણ કલાકે રવાના થયું છે અને લગભગ ૨૪ કલાકે ભારત પહોચે એવી ધારણા છે. આ વિમાનમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરનાર મોટાભાગના પંજાબ કે ઉત્તર ભારતના હોય તેવી શક્યતા છે. જોકે, તેમાં ગુજરાતી હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ અનુસાર પોલીસ, ફેડરલ એજન્સીની મદદથી પકડી પાડવામાં આવેલા ગેરકાયદે વસવાટ કરતા લોકોને ગ્વાતેમાળા, પેરુ, હોન્ડુરસ રવાના કરવામાં આવ્યા છે. અત્યારસુધીના ઓપરેશનમાં સૌથી પહેલી વખત ભારત જેટલા દૂરના દેશોમાં ઘુસણખોરોને પરત મોકલી આપવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે ભારત વતી વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહ્યા હતા. આ પછી તેમણે અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબીયો સાથે બેઠક કરેલી. આ બેઠકમાં એમરિકાએ ભારતીયો દ્વારા અમેરિકામાં ગેરકાયદે થતા પ્રવેશ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ટેલીફોનીક ચર્ચામાં પણ આ મામલે ચર્ચા થઇ હતી અને ભારતે અમેરિકાને આ નાગરીકોને ભારત પરત સ્વીકારવા માટે જે જરૂરી હશે તેવી ખાતરી આપી છે. અત્યારે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા 18000 જેટલા નાગરીકોની ઓળખ કરી છે અને તેને સ્વીકારવા ભારતે તૈયારી પણ દર્શાવી છે.
ગેરકાયદેસર વસવાટ કરતા નાગરીકોએ અમેરિકા સમયાંતરે ભારત પરત મોકલે છે ઓક્ટોબર 2024માં જો બાયડેન રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ ભારતીયોને ચાર્ટર્ડ ફ્લાઈટમાં પરત મોકલવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2023સુધીમાં લગભગ ૬૭,૩૯૧ ભારતીયોએ ગેરકાદેસર રીતે, વિઝાની યોગ્ય પ્રક્રિયામાં ભાગ લીધા વગર અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. 2024માં કુલ 1100 ભારતીયોને અમેરિકાએ પરત મોકલ્યા હતા. જોકે, રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ આવતા તેમણે ગેરકાદેસર નાગરીકો સામે ધોંસ બોલાવી, તેમની તાકીદે ધરપકડ કરી વતન પરત કરવા અભિયાન ચલાવ્યું છે. આ પછી પ્રથમ વખત 205 જેટલા ભારતીયો દેશ પરત ફરી રહ્યા છે.
જે ૨૦૫ ભારતીય નાગરીકોને પરત મોકલવામાં આવ્યા છે તેમની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં ભારત સરકારે પણ ભૂમિકા ભજવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ રીતે બન્ને દેશો એકબીજાને સહકાર આપી આવનારા દિવસોમાં વધારે ફ્લાઈટ થકી નાગરીકોને પરત લાવે તેવી શક્યતા છે.
અમેરિકા કેવી રીતે પહોંચ્યા ? પંજાબ પોલીસ દરેકની પૂછપરછ કરશે
સત્તાવાર સાધનોએ હજી સુધી અમેરિકન મીલીટરી એરક્રાફ્ટ ભારતમાં ક્યાં ઉતરાણ કરશે કે પછી આવી રહેલા નાગરીકો દેશના ક્યા રાજ્યના છે તે અંગે કોઈ માહિતી આપી નથી. પરંતુ, સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના નાગરીકો પંજાબ અને ઉત્તર ભારતના છે. બીજું, ભારતમાં આગમન પછી દરેકની ચકાસણી, તે દેશના ક્યાં પ્રાંતનો છે તેની પાસે ભારતીય હોવાની ઓળખ છે કે નહીં તે અંગે પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, તેમની પૂછપરછ કરી તેઓ અમેરિકા કઈ રીતે પહોંચ્યા, એમની ઘુસણખોરી ક્યા માર્ગે અને કોની મદદથી થઇ એ અંગે પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે.