પાકિસ્તાનના 20,000 નાગરિકો 88 જેલોમાં બંધ; જાણો ભારતની સ્થિતિ
પાકિસ્તાની એમ્બેસી દ્વારા કોઇ પણ પ્રકારની મદદ મળતી નથી.
પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભીખારીઓ વિદેશ જાય છે
નવી દિલ્હી,5 સપ્ટેમ્બર,2024,ગુરુવાર
તાજેતરમાં મળતી માહિતી મુજબ દુનિયાની વિવિધ જેલોમાં 20 હજાર કરતા વધુ પાકિસ્તાનીઓ જેલમાં સડી રહયા છે. એકસપ્રેસ ટ્રિબ્યુનને ટાંકીને જણાવાયું છે કે સૌથી વધુ 10432 પાકિસ્તાનીઓ સાઉદી અરબની જેલમાં બંધ છે. આ ઉપરાંત સંયુકત અરબ અમીરાત (યુએઇ)માં 5293 કેદીઓ જેલમાં સડી રહયા છે. બ્રિટનમાં 321 અને ઓમાનમાં 578 સાથે કુલ આંકડો 20 હજાર કરતા વધારે છે જેમાં તુર્કી, બહેરિન, ગ્રીસ, ચીન, અમેરિકા અને જર્મનીનો પણ સમાવેશ થાય છે. આ કેદીઓ આતંકવાદ,ચોરી લૂંટફાટ, હત્યાથી માંડીને વિવિધ પ્રકારના ગંભીર આર્થિક ગુનાઓમાં પણ સંડોવાયેલા છે.
દુનિયામાં પકડાતા ભીખારીઓમાં 90 ટકા પાકિસ્તાની મૂળના
એક વાર જેલમાં પુરાયા પછી કેદીઓને સ્થાનિક કાયદા મુજબ દયાના આધારે છોડવામાં આવે છે પરંતુ પાકિસ્તાની એમ્બેસી દ્વારા કોઇ પણ પ્રકારની મદદ મળતી નથી. ગત વર્ષ પાકિસ્તાની મીડિયામાં એક અહેવાલ પ્રગટ થયેલો જેમાં જણાવાયું હતું કે દુનિયામાં પકડાતા ભીખારીઓમાં 90 ટકા પાકિસ્તાની મૂળના હોય છે. પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભીખારીઓ વિદેશ જાય છે અને માનવ તસ્કરીના કામ સાથે જોડાયેલા રહે છે.
ભારતના 8330 કેદીઓ 90 દેશોની જેલમાં બંધ
ભારતની વાત કરીએ તો ભારતના 8330 કેદીઓ 90 દેશોની જેલમાં છે. સૌથી વધુ ભારતીયો અપરાધી અને વિચારાધિન 1461 કેદીઓ સંયુકત અરબ અમીરાતમાં છે ત્યાર પછી સાઉદી અરબમાં 1461,નેપાળમાં 1222, પાકિસ્તાનમાં 308, યુકેમાં 249, ઇટાલીમાં 157,જર્મનીમાં 77 સાઇપ્રેસમાં 51 અને ફ્રાંસમાં 40 ભારતીય કેદીઓનો સમાવેશ થાય છે. 1971ના યુધ્ધમાં યુદ્ધકેદી તરીકે પાકિસ્તાનમાં રહી ગયેલા ભારતના સૈન્ય જવાનો અંગે ભારતની વારંવાર રજૂઆતો છતાં પાકિસ્તાન હંમેશા ઇન્કાર કરતું રહયું છે. એક માહિતી મુજબ પાકિસ્તાનના 452 કેદીઓ ભારતની જેલમાં બંધ છે.