લોસ એન્જલસમાં આગની વચ્ચે લૂંટારાઓનો ત્રાસ, 20ની ધરપકડ, નેશનલ ગાર્ડ તૈનાત કરવા પડ્યા
Los Angeles Wildfire Looters arrested: કેલિફોર્નિયાના લોસ એન્જલન્સમાં ફાટી નીકળેલા દાવાનળમાં લોકો પોતાનો જીવ બચાવવા ઘર-સામાન મૂકી સુરક્ષિત સ્થળે આશરો લઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ ચોર-લૂંટારૂઓ આ દુર્ઘટનાનો લાભ લેતાં ખાલી પડેલાં ઘરોમાં લૂંટ મચાવી રહ્યા છે. પોલીસે લૂંટફાટ કરનારા સંદિગ્ધ 20 લોકોની ધરપકડ કરી છે.
લોસ એન્જલ્સ કાઉન્ટી સુપરવાઈઝર કેથ્રિન બર્ગરે જણાવ્યું હતું કે, ‘આ કટોકટીના સમયમાં અમુક લોકો નિર્દયી બન્યા છે. તેઓ ખાલી પડેલા ઘરોમાં ચોરી-લૂંટ મચાવી રહ્યા છે.’
નેશનલ ગાર્ડ તૈનાત કરાયા
કેલિફોર્નિયાનો લોસ એન્જલ્સ વિસ્તારમાં ધનિકો અને સેલિબ્રિટી વસવાટ કરે છે. દાવાનળના કારણે તેઓને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે. તેમના ઘરની સુરક્ષા માટે નેશનલ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટના 400 અધિકારીઓને બચાવ કામગીરી તેમજ પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
લોસ એન્જલ્સમાં 150 અબજ ડોલરનું નુકસાન
લોસ એન્જલ્સના જંગલમાં ફાટી નીકળેલા દાવાનળના કારણે 1.80 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગના કારણે હજારો ઘરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયુ છે. બચાવ કામગીરી અને જનજીવન સામાન્ય બનાવવા કામગીરી ચાલુ છે. આ દાવાનળમાં 135થી 150 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.