VIDEO: ભયાનક વિસ્ફોટ બાદ લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ, 21ના મોત
Aricell Battery Plant Fire in South Korea : દક્ષિણ કોરિયામાં લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો લાપતા છે. સ્થાનિક ફાયર અધિકારીઓએ કહ્યું કે, આ આગ સવારે 10.30 કલાકે લાગી હતી. જોકે હવે આગ પર કાબુ મેળવી લેવાયો છે. સિયોલની દક્ષિણે આવેલા હ્વાસેઓંગમાં બેટરી નિર્માતા એરિસેલ દ્વારા સંચાલિત ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.
પ્લાન્ટમાં વિસ્ફોટ થયો
સ્થાનિક ફાયર અધિકારી કિમ જિન-યંગે કહ્યું કે, લગભગ 35,000 યુનિટ ધરાવતા વેરહાઉસની અંદર બેટરી સેલમાં વિસ્ફોટ થયા બાદ આગ શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ પ્લાન્ટની અંદરથી લગભગ 20 મૃતદેહો મળી આવ્યા છે. જોકે કિમે કહ્યું કે, 16 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
ઘટના સમયે કંપનીમાં 70 લોકો હતા
તેમણે કહ્યું કે, બચાવ કર્મચારીઓ પાંચ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, જ્યારે આગ લાગી ત્યારે કંપનીમાં 70થી વધુ લોકો હાજર હતા. આ પ્લાન્ટની સ્થાપનમાં વર્ષ 2020માં થઈ હતી, જેનું સંચાલન એરીસેલના હાથમાં છે. આ કંપની સેન્સર અને રેડિયો સંચાર ઉપકરણો માટે લિથિયમની બેટરીનું ઉત્પાદન કરે છે. કંપનીની રેગ્યુલેટરી ફાઈલિંગ અને તેના લિન્કેડઈન પ્રોફાઈલમાં જણાવ્યા મુજબ કંપનીમાં 48 કર્મચારીઓ કામ કરે છે.