બે રાફેલ સામ-સામે ટકરાતા ભયાનક વિસ્ફોટ, બંને પાઈલટના મોત અંગે રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
Two Rafale Fighter Jets Collision: તાજેતરમાં જ ભારતે ફ્રાન્સ પાસેથી મોટી સંખ્યામાં રાફેલ ફાઈટર જેટ ખરીદ્યા છે. બુધવારે આકાશમાં બે રાફેલ વિમાનો વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ ટક્કર ભારતમાં નહીં પરંતુ ફ્રાન્સમાં થઈ હતી, જેના પછી દરેક જગ્યાએ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બંને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.
રાત્રે અકસ્માત થયો
બે રાફેલ એરક્રાફ્ટ ફ્રાન્સના ઉત્તર-પૂર્વ શહેર કોલંબ-લેસ-બેલ્સની ઉપરથી ઉડી રહ્યા હતા. રાત્રે 10.30 કલાકે એકબીજા સાથે અથડાયા હતા. પ્લેનની ટક્કરથી આ વિસ્તારમાં ભયંકર વિસ્ફોટ જોવા મળ્યો અને આકાશમાંથી પ્લેનનો કાટમાળ વરસવા લાગ્યો. પ્લેનમાં હાજર એક પાયલોટે કૂદકો મારી દીધો હતો અને બે પાયલોટ ગુમ હતા. ઘાયલ પાયલોટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના બે પાયલોટની શોધ 10 કલાક સુધી ચાલુ રહી હતી. 10 કલાકની શોધખોળ બાદ બંને પાયલોટના મૃતદેહ મળી આવ્યા હતા. આ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટીનો માહોલ છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ટ્વિટ કર્યું
બંને રાફેલ ફાઈટર જેટ ફ્રેંચ એરફોર્સના ટ્રેનિંગ સેન્ટર સેન્ટ ડિઝિયરમાં આવ્યા હતા. પ્લેનમાં હાજર પાઇલોટ ટ્રેનિંગ પર હતા. જો કે, રાત્રિના અંધકારમાં બંને વિમાનો એકબીજા સાથે અથડાઈને આ ભયાનક દુર્ઘટનાના સાક્ષી બન્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને X પ્લેટફોર્મ પર ટ્વિટ કરીને દુઃખ વ્યકત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે રાફેલ ટ્રેનિંગ મિશન દરમિયાન એક હવાઈ દુર્ઘટનામાં કેપ્ટન સેબેસ્ટિયન માબીરે અને લેફ્ટનન્ટ મેથિસ લોરેન્સના મૃત્યુના સમાચાર સાંભળીને અમે દુ:ખી છીએ. શોકની આ ઘડીમાં આપણે બધા શહીદોના પરિવાર સાથે ઉભા છીએ.'
છેલ્લી વખત રાફેલ અકસ્માત ક્યારે થયો હતો?
રાફેલ ફાઈટર જેટની ગણતરી સૌથી સુરક્ષિત એરક્રાફ્ટમાં થાય છે. રાફેલ એરક્રાફ્ટ ક્રેશ થવાના થોડા જ અહેવાલો સામે આવ્યા છે. રાફેલ છેલ્લે 2007 અને 2009માં ક્રેશ થયું હતું. ત્યારપછી રાફેલના અકસ્માતના કોઈ સમાચાર સામે આવ્યા નથી.