Get The App

વિમાન ઉડતું રહ્યું અને બંને પાયલોટ અડધો કલાક નીંદર માણતા રહ્યા, 153 મુસાફરો સવાર હતા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
વિમાન ઉડતું રહ્યું અને બંને પાયલોટ અડધો કલાક નીંદર માણતા રહ્યા, 153 મુસાફરો સવાર હતા 1 - image


Image Source: Twitter

જાકાર્તા, તા. 12 માર્ચ 2024

પાયલોટની જરા સરખી ચૂક પણ પ્લેનમાં બેઠેલા સેંકડો મુસાફરોના જીવ જોખમમાં નાંખી શકે છે અને તેના કારણે જ પાયલોટની ડ્યુટી સંવેદનશીલ ગણાતી હોય છે. આમ છતા પાયલોટો લાપરવાહી વર્તતા હોય તેવા કિસ્સા બનતા રહેતા હોય છે. ઈન્ડોનેશિયામાં બાટિક એરલાઈનની એક ફ્લાઈટમાં બંને પાયલોટ અડધો કલાક સુધી સુતા રહ્યા હોવાની ઘટના સપાટી પર આવી છે.

આ મામલો 25 જાન્યુઆરીનો છે. બાટિક એરલાઈનની ફ્લાઈટ કેંદારી શહેરથી ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા જઈ રહી હતી. જેમાં 153 મુસાફરો અને ચાર ક્રુ મેમ્બર પણ સવાર હતા. ફ્લાઈટ આકાશમાં હતી અને બંને પાયલોટ અડધો કલાક સુધી નીંદર માણતા રહ્યા હતા. આ વાતનો ખુલાસો રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિએ પોતાના રિપોર્ટમાં કર્યો છે.

જોકે ઉડાન દરમિયાન કોઈને આ વાતનો વધારે ખ્યાલ આવ્યો નહોતો અને વિમાને બે કલાક અને 35 મિનિટની મુસાફરી બાદ સહી સલામત લેન્ડિંગ કર્યું હતું. આ  બંને પાયલોટો સૂતા રહ્યા ત્યારે પ્લેન ફ્લાઈટ પાથ પરથી હટી ગયું હતું. કંટ્રોલ રુમના ધ્યાનમાં આ વાત આવતાની સાથે જ વિમાનનો સંપર્ક કરાયો હતો અને પાયલોટ જાગી ગયો હતો. 

રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા સમિતિએ  ઘટનાની તપાસના  રિપોર્ટમાં કહ્યું છે કે, સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટે પોતાના કો પાયલોટને પહેલા જ કહી દીધું હતું કે તે થાકી ગયો છે અને તે પછી તે 30 મિનિટ સુધી સૂતો રહ્યો હતો. ત્યાર પછી મુખ્ય પાયલોટે પોતાના સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટને કહ્યું હતું કે, હવે હું થોડો આરામ કરવા માંગુ છુ. આ તબક્કે મુખ્ય પાયલોટની સાથે સાથે સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટ પણ પાછો સૂઈ ગયો હતો. બંને પાયલોટોના સંચાલન વગર પ્લેન અડધો કલાક સુધી ઉડતું રહ્યું હતું.

કંટ્રોલ રુમના ધ્યાનમાં વાત આવી હતી કે, આ વિમાન પોતાના નિયત રસ્તા પરથી ભટકી રહ્યું છે ત્યારે કંટ્રોલ રૂમે પાયલોટનું ધ્યાન દોર્યું હતું. જો કે પાયલોટોએ  દાવો કર્યો હતો કે,  રેડિયો કોમ્યુનિકેશનમાં સમસ્યા થઈ હોવાથી અમે જવાબ નહોતા આપી શકયા. રિપોર્ટમાં કહેવાયું છે કે, સેકન્ડ ઈન કમાન્ડ પાયલોટને એક મહિનાના જોડિયા બાળકો છે અને પત્નીને બાળકોની દેખભાળમાં મદદ કરવા માટે ઘણી વખત તેને રાતે ઉજાગરો કરવો પડતો હોવાથી ફ્લાઈટમાં ઝોકુ આવી ગયું હતું. આ દરમિયાન ઈન્ડોનેશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ બંને પાયલોટોને આગળની તપાસ પૂરી ના થાય ત્યાં સુધી વિમાન ચલાવવાની મનાઈ ફરમાવી દીધી છે.


Google NewsGoogle News