અમેરિકામાં સ્નો સ્ટ્રોમની ચેતવણી વચ્ચે 2,200 ફ્લાઈટ્સ રદ્દ કરાઈ
- છ રાજ્યોમાં ઈમરજન્સી, ત્રીસમાં એલર્ટ જારી
- કેન્સસ સિટીમાં 32 વર્ષમાં સૌથી વધુ સ્નો : ગરમ ગણાતા ફ્લોરિડામાં પણ તાપમાન ઝીરો ડિગ્રી રહેશે
વોશિંગ્ટન : અમેરિકાના ઘણા રાજ્યોમાં સ્નો સ્ટોર્મ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં હાલત એટલી હદે ખરાબ છે કે, ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે કેન્સસથી લઈને પૂર્વી તટ સુધી ફેલાયેલા ૩૦ રાજ્યો માટે એલર્ટ જારી કર્યું છે. ઓહાયો અને વોશિંગ્ટન ડીસી જેવા વિસ્તારોમાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. જ્યારે, ન્યુ યોર્કમાં પહેલાથી ૩ ફીટથી વધુ સ્નોફોલ નોંધાયો છે.
અમેરિકાના કેન્ટકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સસ, અર્કાસસ અને મઝોરી જેવા રાજ્યોમાં સ્નો સ્ટોર્મને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ફલોરિડા કે જે પોતાના ગરમ વાતાવરણને કારણે જાણીતું છે ત્યાં પણ તાપમાન શૂન્યથી નીચે જવાની સંભાવના છે. રિપોર્ટ મુજબ, ૨,૨૦૦ ફ્લાઈટ્સ રદ્દ થવાની અને ૨૫,૦૦૦થી વધુ મોડી પડવાની જાણકારી સામે આવી છે. અનેક દુર્ઘટનાઓ બાદ કામ વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અનેક વિડીયોઝમાં રસ્તા પર કાર્સને લપસતી જોઈ શકાય છે. હવામાન ખાતાની આગાહી અનુસાર, વોશિંગ્ટનની આસપાસના ક્ષેત્રોમાં ૧૦ ઈંચ બરફ પડી શકે છે. હિમવર્ષાને કારણે આ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થશે. સેન્ટ્રલ મિસિસિપી, ઓહાયોના કેટલાક વિસ્તારોમાં ૦.૫ ઈંચ હિમવર્ષા થઈ શકે છે. આ સાથે જ કેન્સસથી લઈને સેન્ટ્રલ એપલેચિયન પર્વતો સુધી લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર બની શકે છે.
કેન્સસ સિટીમાં ૩૨ વર્ષમાં સૌથી વધુ બરફ જોવા મળ્યો હતો. જેમાં, અત્યાર સુધીમાં ૧ ફૂટથી વધારે સ્નો પડયો છે. જાણીતા હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ઉત્તર મઝોરીના કેટલાક ભાગોમાં પહેલાથી જ ૧૪ ઈંચ બરફ ખાબકી ચૂક્યો છે. આ બરફનું વાવાઝોડું રવિવારથી અમેરિકાના પૂર્વ કિનારા તરફ આગળ વધવાનું શરૂ થયું હતું.