ફેમસ બોડી બિલ્ડરનું હાર્ટ ઍટેકના કારણે 19 વર્ષની વયે નિધન, સોશિયલ મીડિયા યુઝર્સ સ્તબ્ધ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
Matheus Pavlak



Body builder Matheus Pavlak: યુવાનોમાં હાલના સમયમાં હાર્ટએટેકથી થતા મોતના કિસ્સાઓમાંચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે બ્રાઝિલમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. બ્રાઝિલમાં પ્રખ્યાત બોડી બિલ્ડર મેથ્યુસ પાવલકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મેથ્યુઝની વય માત્ર 19 વર્ષ હતી. તેનું જીવન પ્રેરણાદાયક હતું, ખાસ કરીને એ લોકો માટે જે બોડી ટ્રાન્સફોર્મેશન અને ફિટનેસ માટે સમર્પિત છે. મેથ્યુઝે વધારે વજન સામે લડી પાંચ વર્ષમાં પોતાની મહેનત અને મજબૂત સંકલ્પ દ્વારા બોડી બિલ્ડર તરીકે વિશ્વભરમાં પોતાનું નામ બનાવ્યું હતું. તેના અકાળે મૃત્યુથી સમગ્ર ફિટનેસ જગતને આઘાત લાગ્યો છે. 

સ્ટેરોઇડ્સ લેવાથી થયું મૃત્યુ?

મેથ્યુઝના મૃત્યુ બાદ સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે કે, તે સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ કરતી સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરતો હતો, જેના કારણે તેનું મોત થયું છે. લોકોનું કહેવું છે કે કોઇ પણ પ્રકારના સપ્લીમેન્ટ અથવા ડ્રગ્સના ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું જોઇએ, આ પ્રકારના સપ્લીમેન્ટ લોકોના શરીર પર ગંભીર અસર કરી શકે છે. આ ઘટના બાદ યુવાનોના સ્વાસ્થ્ય અને તેમની દિનચર્યા સામે સવાલો પણ ઉભા થઇ રહ્યા છે. જો કે, બોડી બિલ્ડરના ચાહકો આવી વાતો કરનારાઓની આકરી ટીકા કરી રહ્યા છે.

પાછલા વર્ષે U23 સ્પર્ધા જીતી હતી

મીડિયા રિપોર્ટ અનુસાર, મેથ્યુઝે 2019માં બોડીબિલ્ડિંગ શરૂ કર્યું હતું અને તે આ ક્ષેત્રમાં ખૂબ ઓછા સમયગાળામાં ઝડપથી ઉભરી આવ્યો હતો. ગયા વર્ષે U23 સ્પર્ધા જીત્યા બાદ તેને મિસ્ટર બ્લુમેનાઉ નામ આપવામાં આવ્યું હતું. આ સિવાય તેણે આ ક્ષેત્રની અન્ય ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને ટોપ 10માં રહ્યો હતો.

તંદુરસ્ત યુવાનો પણ કેમ બને છે હાર્ટ એટેકનો શિકાર?

હાર્ટ એટેકને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. બાળકથી માંડીને વૃદ્ધો સુધી કોઈપણને હાર્ટ એટેક આવી શકે છે. વર્તમાન સમયમાં યુવાનોની જીવન શૈલીમાં બહારની ખાણીપીણીની આદતો, વ્યસન, તણાવ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ હોવાના કારણે યુવાનોને પણ હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત યુવાનોમાં પણ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જે તેમની જીવન શૈલીના કારણે અથવા તો વારસાગત હોય છે. જેના કારણે પણ તેમને હાર્ટ એટેકનું જોખમ રહે છે. 



Google NewsGoogle News