જબાલિયા રેફ્યુજી કેમ્પ પર ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના 19 સભ્યોના મોત

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
જબાલિયા રેફ્યુજી કેમ્પ પર ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના 19 સભ્યોના મોત 1 - image


Image Source: Twitter

ગાઝા, તા. 01 નવેમ્બર 2023

ગાઝામાં આવેલા જબાલિયા રેફ્યુજી કેમ્પ પર ઈઝરાયેલના હવાઈ હુમલાએ ભારે તબાહી મચાવી છે.આ હુમલામાં કેમ્પમાં રહેતા 50 કરતા વધારે લોકોના મોત થયા છે

કરુણાંતિકા કહે છે કે, આ હુમલામાં અલ જજીરાના એક એન્જિનિયરનો આખો પરિવાર ખતમ થઈ ગયો છે. તેના પરિવારના 19 લોકોના મોત થયા છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગને 25 દિવસ થઈ ગયા છે અને આ દરમિયાન ગાઝામાં હજારો લોકો જીવ ગુમાવી ચુકયા છે. જોકે ઈઝરાયેલ નમતુ જોખવાના મૂડમાં નથી. આ દરમિયાન ઈઝરાયેલી હવાઈ હુમલામાં મંગળવારે ઉત્તરી ગાઝામાં આવેલા જબાલિયા રેફ્યુજી કેમ્પમાં ખાના ખરાબી સર્જાઈ હતી. આ કેમ્પ બરબાદ થઈ ગયો છે ત્યારે અલ જજીરાના એક એન્જિનિયરે તો પોતાના પરિવારના 19 સભ્યોને ગુમાવ્યા છે. આ એન્જિનિયરનુ નામ મહોમ્મદ અબૂ અલ કુમસન છે. જે અલ જજીરામાં બ્રોડકાસ્ટ એન્જિનિયર છે.

અલ જજીરા ચેનલે જબાલિયા કેમ્પ પરના હુમલાને નરસંહાર ગણાવ્યો છે. ચેનલના કહેવા પ્રમાણે તેના એન્જિનિયરના પિતા, બે બહેનો, આઠ ભત્રીજા અને ભત્રીજી, તેના ભાઈ, ભાઈની પત્ની અને ચાર બાળકો, તેની ભાભી અને એક કાકાએ હુમલામાં જીવ ગુમાવ્યા છે.

જબાલિયા કેમ્પ જ્યાં આવેલો છે તે ગીચ વસતીવાળો વિસ્તાર છે અને ઈઝરાયેલે અહીંયા કરેલા હુમલા બાદ ચારે તરફ બરબાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઈઝરાયેલનો દાવો છે કે, અમે હમાસના આતંકીઓ અને તેમના આશ્રય સ્થાનો પર હુમલો કર્યો હતો.

છેલ્લા 25 દિવસમાં ઉત્તરી ગાઝામાંથી આઠ લાખ લોકો પલાયન કરી ચુકયા છે અને ગાઝા પટ્ટી ઈઝરાયેલના હુમલાઓના કારણે હવે કાટમાળમાં ફેરવાઈ ગઈ હોય તે પ્રકારની ભયાવહ સ્થિતિનુ નિર્માણ થયુ છે.



Google NewsGoogle News