જાણો, 1896માં અમેરિકાના આ ખેલાડીએ આધુનિક ઓલિમ્પિકસના ઇતિહાસનો પ્રથમ મેડલ જીતેલો
ટ્રીપલ જમ્પમાં ૧૩.૭૧ મીટર છલાંગ લગાવી ઓલિમ્પિકસના ઇતિહાસ સાથે નામ જોડયું
મેડલ ઉપરાંત પ્રમાણપત્ર અને ઓલિવના પાંદડા વિજેતાને મળતા
પેરિસ,31 જુલાઇ,2024,બુધવાર
ઇસ ૧૮૯૬માં ગ્રીસના એથેન્સમાં પહેલા ઓલિમ્પિકનું આયોજન થયું ત્યારે ગ્રીસમાં આર્થિક કટોકટી હતી. આથી હંગેરીએ પોતાના દેશમાં ઓલિમ્પિકસ યોજવાનું આમંત્રણ આપ્યું હતું. જો કે ગ્રીસના રાજકુમાર પાસે દાનનો પ્રવાહ શરુ થતા ઓલિમ્પિક ગ્રીસથી હંગેરીમાં જતો અટકી ગયો હતો.
માનવ સભ્યતાના પહેલા આધુનિક ઓલિમ્પિકસમાં ૧૪ દેશોના ૨૦૦ ખેલાડીઓ વચ્ચે ટેનિસ, ટ્રેક એન્ડ ફિલ્ડ, ભારતોલન, સાઇકિલિંગ, કુશ્તી, સ્વીમિંગ અને તિરંદાજી જેવી રમતોનો સમાવેશ થયો હતો. જેમાં ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા વિજેતા તરીકેનું માન અમેરિકાના જેમ્સ બ્રેંડન કોનોલીને મળ્યું હતું. તેણે ટ્રીપલ જમ્પમાં ૧૩.૭૧ મીટર છલાંગ લગાવીને દુનિયાનો પહેલો મેડલ મેળવ્યો હતો.
જો કે પહેલા ઓલિમ્પિકસમાં ગોલ્ડના સ્થાને પ્રથમ વિજેતાને સિલ્વર મેડલ આપવામાં આવતો હતો. આથી જેમ્સ બ્રેંડન કોનોલીને પણ મળેલો મેડલ સિલ્વરનો હતો.જયારે બીજા ક્રમાંકે આવનારને કાસ્યચંદ્રક મળતો હતો. મેડલ ઉપરાંત પ્રમાણપત્ર અને ઓલિવના પાંદડા વિજેતાને મળતા હતા. જો કે સ્પર્ધામાં ત્રીજા ક્રમે રહેતા ખેલાડીને ખાલી હાથે પાછા ફરવું પડતું હતું.
નવાઇની વાત તો એ છે કે વિશ્વના આ પહેલા ઓલિમ્પિકસમાં ફુટબોલ અને ક્રિકેટની રમત પણ રાખવામાં આવી હતી પરંતુ પુરતી ટીમોના અભાવે છેલ્લી ઘડીએ આ બંને રમતો રદ્ કરવી પડી હતી.સ્પર્ધામાં વિજયી થતા ખેલાડીને પ્રથમ ક્રમના વિજેતાને ગોલ્ડ નહી પરંતુ સિલ્વર આપવામાં આવતો હતો.