પાકિસ્તાનમાં 100માંથી 18 લોકોએ સિગારેટ પીવાનું છોડી દીધું, કારણ જાણીને ચોંકી જશો
Pakistan News: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી કથળવા લાગી છે. લોકોને ખાદ્યપદાર્થો અને રોજીંદી વસ્તુઓ ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડે છે. મોંઘવારી એટલી વધી છે, કે એક ટાઈમ ખાવાનાં પણ ફાંફા પડતાં લોકોને શોખ અને આદતો પર પણ કાપ મુકવાની ફરજ પડી છે.
તાજેતરમાં પાકિસ્તાનમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમા ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સર્વેમાં ત્યાંના 100માંથી 18 લોકોએ મોંઘવારી અને સિગારેટના ભાવમાં ભારે વધારાને કારણે સિગારેટ પીવાની આદત છોડી દીધી છે. પાકિસ્તાન આવેલા થિંક ટેન્ક સેન્ટર ફોર રિસર્ચ એન્ડ ડાયલોગ (CRD) દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમા દાવો કરવામાં આવ્યો છે કે, સિગારેટના ભાવમાં વધારો થવાને કારણે છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં ધૂમ્રપાન કરનારા લોકોમાં 18 ટકા લોકોએ ધુમ્રપાન કરવાનું છોડી દીધુ છે.
પાકિસ્તાનમાં લગભગ 11 અબજ સિગારેટનો વપરાશ ઘટ્યો
આ સિવાય સર્વેમાં 15 ટકા લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો કે, તેમણે સિગારેટના ભાવમાં ભારે વધારો થવાના કારણે સિગારેટ પીવાનું ઓછું કર્યું છે. આ બે આંકડાઓના આધારે પાકિસ્તાનમાં લગભગ 11 અબજ સિગારેટનો વપરાશ ઘટ્યો છે. જો કે, સરકારી વિભાગો તેને જાહેર આરોગ્યની દૃષ્ટિએ સારું ગણાવી રહ્યા છે.
પાકિસ્તાને સિગારેટ પર ફેડરલ એક્સાઇઝ ડ્યુટી વધારી છે
પાક મીડિયાના અહેવાલ પ્રમાણે સીઆરડી (CRD)ના નિર્દેશક મરિયમ ગુલ તાહિરે કહ્યું છે કે, આ સર્વેના પરિણામો રાષ્ટ્રીય હિતમાં છે. તેમજ સિગારેટના ભાવમાં વધારો લોકોના સ્વાસ્થ્ય અને દેશની આર્થિક સ્વાસ્થ્ય સ્થિતિ બંને માટે ફાયદાકારક સાબિત થઈ છે. હકીકતમાં પાકિસ્તાન સરકારે ઈકોનોમી બ્રાન્ડની સિગારેટ પર 146 ટકા, જ્યારે પ્રીમિયમ બ્રાન્ડ સિગારેટ પર 154 ટકા ફેડરલ એક્સાઇઝ ડ્યુટી (FED)વધારો કર્યો છે. જેના કારણે સિગારેટમાંથી સરકારની આવક 148 અબજ રુપિયાથી વધીને 200 અબજ રુપિયા પર પહોંચી ગઈ છે.
પાકિસ્તાનમાં દર વર્ષે 72 થી 80 અબજ સિગારેટ પીવાય છે: રિપોર્ટ
સીઆરડીના આ સર્વેમાં રાજધાની ઈસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર અને પેશાવર જેવા મોટા શહેરો સિવાય અન્ય શહેરોમાં આ સર્વે કર્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં દર વર્ષે 72 થી 80 અબજ સિગારેટની ખપત થાય છે. જેમા દાણચોરીની સિગારેટના આંકડા પણ સામેલ છે.
પાક.માં તમાકુના સેવનથી દર વર્ષે 3,37,500 લોકો મોતને ભેટે છે: રિપોર્ટ
અન્ય એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનમાં તમાકુ ઉદ્યોગ થતાં કેન્સર, શ્વસન સંબંધી રોગો અને હૃદય સંબંધિત રોગોની સારવારને કારણે સરકારી તિજોરીમાં વાર્ષિક 620 અબજ રુપિયાનું નુકસાન પહોંચે છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં દર વર્ષે તમાકુના સેવનથી 337,500 લોકો મોતને ભેટે છે.