PoK જેલમાંથી 18 કેદીઓ ભાગી ગયા,6ને થઇ હતી ફાંસીની સજા
PoK jail: પાકિસ્તાનની જેલમાંથી ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફરાર થઈ ગયો હોવાથી પાકિસ્તાનની તમામ જેલોમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એજન્સીના જણાવ્યા અનુસાર,આ ઘટના શુક્રવારે પૂંછની રાવલકોટ જેલમાં બપોરે 2.30 કલાકે બની હતી.જેમાં 18 વધુ કેદીઓ પણ ભાગી ગયા હતા.
આ આતંકવાદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ની જેલમાં બંધ હતો. મળતી માહિતી પ્રમાણે, રાવલકોટ જેલના એક કેદીએ જેલ ગાર્ડને પિસ્તોલ બતાવી હતી અને તેને જેલની ચાવી લેવા દબાણ કર્યું અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, નાસી છૂટેલા 18 કેદીઓમાંથી 6 મૃત્યુદંડ પર હતા અને અન્ય ત્રણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. અન્ય એક કેદીને ભાગી જવા દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી. તે કેદી પાંચ વર્ષની સજા ભોગવી રહ્યો હતો. મૃતકની ઓળખ ખય્યામ સઈદ તરીકે થઈ છે.
આ સિવાય જે કેદી ભાગી ગયા છે તેમાં સાકિબ મજીદ, ઉસ્માન ઇકરાર, શમીર આઝમ, અમીર અબ્દુલ્લા, ફૈઝલ હમીદ અને નઝીર યાસીન નામના છ મૃત્યુદંડના કેદી હતા.
ભારતનો મોસ્ટ વોન્ટેડ કેદી
અહેવાલમાં જણાવાયું છે કે ભાગી ગયેલા અન્ય કેદીઓમાં ગાઝી શહજાદ પણ સામેલ હતો. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ગાઝી શહજાદ પ્રતિબંધિત સંગઠનનો સભ્ય છે અને ભારતનો મોસ્ટ વોન્ટેડ છે. માનવામાં આવી રહ્યું છે કે, આજ જેલ તોડીને ભાગવાનો માસ્ટર માઇન્ડ છે.આ ઘટનાની તપાસ પોલીસની ટીમ તમામ એંગલથી કરી રહી છે.
પોલીસે આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. સામ ટીવી અનુસાર, રાવલકોટ જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સહિત 7 અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે અને સુરક્ષા ભંગની તપાસ શરૂ કરવામાં આવી છે.
તમામ જેલો હાઇ એલર્ટ પર
સુરક્ષા ક્ષતિના જવાબમાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની તમામ જેલોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ભાગી જવાના કારણોની તપાસ કરવા માટે ન્યાયિક પંચને વિનંતી કરી છે.