17 વર્ષનો આ છોકરો પરિવાર છોડીને નીકળ્યો છે, ટ્રેનમાં બનાવ્યું છે ઘર, રોજ કરે છે 1000 કિ.મી.નો પ્રવાસ
17 year old boy live in trains: વર્તમાન સમયમાં યુવાનો સ્વતંત્ર જીવવાનું પસંદ કરે છે, જેના માટે તેઓ પગભર થવા માટે પોતાના માતા-પિતાનું ઘર છોડીને અન્ય શહેરમાં પણ વસતા હોય છે. જર્મનીના એક યુવાને આવું જ કર્યું છે. તે તેના માતા-પિતાનું ઘર છોડીને એવી જગ્યાએ રહેવા ગયો કે જે એકદમ આશ્ચર્ય પમાડે તેવી છે. આ યુવકને રહેવા માટે કોઈ જ ઘર ન મળતા તેણે ટ્રેનમાં રહેવાનું શરુ કર્યું છે. આ માટે આ યુવક ભાડું પણ ચૂકવે છે.
17 વર્ષીય યુવકે રહે છે ટ્રેનમાં
એક અહેવાલ મુજબ, 17 વર્ષનો લૈસ સ્ટોલી જર્મનીની સરકારી ટ્રેન કંપની ડોઈશ બાન ટ્રેનમાં મુસાફરી કરે છે. તેમજ તેણે ટ્રેનને પોતાનું ઘર બનાવ્યું છે. યુવક આખો દિવસ ટ્રેનમાં રહીને મુસાફરી કરે છે અને તેના બદલામાં ભાડું પણ ચૂકવે છે. એક ઇન્ટરવ્યુમાં યુવકે જણાવ્યું હતું કે આ રીતે ટ્રેનમાં રહેવાથી તેને ઘણી સ્વંત્રતા મળે છે. જેથી તે જાતે નક્કી કરી શકે છે કે તે પહાડોમાં કે દરિયા પાસે એમ ક્યાં રહેવા માંગે છે.
એક દિવસમાં 1000 કિમીનું કાપે છે અંતર
જ્યારે લૈસ 16 વર્ષનો હતો, ત્યારે તેના માતા-પિતાએ તેના ટ્રેનમાં રહેવાના સપનાને પૂરું કરવા માટે કાયદાકીય મદદ કરી હતી. તેમજ ટ્રેનમાં રહેવા આવતા પહેલા તેણે પોતાનો રૂમ સાફ કરીને વધારાનો સમાન વેચી દીધો હતો. અત્યાર સુધીમાં તેણે 5 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. આ હિસાબે તે એક દિવસમાં 1000 કિમીનું અંતર કાપે છે. તેની પાસે જગ્યાની અછત છે, તેથી તે માત્ર 4 ટી-શર્ટ, 2 પેન્ટ, નેક પિલો, બ્લેન્કેટ, લેપટોપ અને હેડફોન સાથે રાખે છે. તેમજ સુપરમાર્કેટમાંથી અગાઉ ખરીદી લે છે અથવા તો ટ્રેન સ્ટેશનો પર કોમ્પ્લીમેન્ટરી બુફેમાં તે જમી લે છે.
ટ્રેનમાં રહેવા માટે ચૂકવે છે આટલું ભાડું
તેણે જર્મનીની રેલ ડિસ્કાઉન્ટ સ્કીમ પસંદ કરી છે, જેમાં તેણે Bahncard 100 ખરીદ્યું છે. જે એક પ્રકારનો રેલવે પાસ છે. આ પાસની કિંમત લગભગ 5 લાખ રૂપિયા છે, એટલે કે તે એક વર્ષમાં 5 લાખ રૂપિયા ખર્ચે છે અને ટ્રેનમાં રહે છે.