Get The App

ઓસ્ટ્રેલિયામાં જન્મદિવસના દિવસે જ ભારતીય મૂળના છોકરા પર હુમલો, 20 વર્ષના એક આરોપીની કરાઈ ધરપકડ

વિક્ટોરિયા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાઓ રેયાન અને તેના મિત્રો પાસેથી અમુક સામાન છીનવવા માંગતા હતા

આઠ છોકરાઓએ છરીઓ અને લાકડીઓ વડે કર્યો હુમલો

Updated: Jul 31st, 2023


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયામાં જન્મદિવસના દિવસે જ ભારતીય મૂળના છોકરા પર હુમલો, 20 વર્ષના એક આરોપીની કરાઈ ધરપકડ 1 - image


વિદેશમાંથી ભારતીય મૂળના વ્યક્તિઓ પર હુમલાના સમાચારો અવારનવાર આપણને સાંભળવા મળતા હોય છે. તો એવી જ ઘટના ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરથી સામે આવી રહી છે. ઘટનામાં એવું છે કે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારતીય મૂળના છોકરા પર છરી વડે કેટલા લોકોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા યુવકની ઓળખ રાયન સિંહ તરીકે કરવામાં આવી છે. આ મામલો એ સમયે બન્યો જયારે તે બાસ્કેટબોલ રમતો હતો અને તેના માતા-પિતા ઘરે તેના 16માં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. 

20 વર્ષના એક આરોપીની ધરપકડ કરાઈ 

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં રેયાનના બે મિત્રો પણ ઘાયલ થયા હતા. રેયાન અને તેના મિત્રો હુમલાખોરોને ઓળખતા ન હતા. રેયાનને હાલમાં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે 20 વર્ષના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આઠ છોકરાઓએ  છરીઓ અને લાકડીઓ વડે કર્યો હુમલો

આ ઘટના મેલબોર્નના ઉપનગરીય વિસ્તાર તારનેટમાં બની હતી. રેયાન અને તેના બે મિત્રો અહીં બાસ્કેટબોલ કોર્ટ પર પ્રેક્ટીસ કરતા હતા ત્યારે આઠ છોકરાઓ ત્યાં પહોંચી ત્રણેય છોકરાઓ પર છરીઓ અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ લોકોએ રેયાન પાસે સ્નીકર્સ માંગ્યા. આ સિવાય તેના મિત્રનો ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. બંનેના ના પાડતા આરોપીએ ગુસ્સે થઈને ત્રણેય મિત્રો પર હુમલો કર્યો હતો. રેયાનના હાથ અને પગ ઉપરાંત તેના માથામાં પણ ઈજા થયાના અહેવાલ મળી રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સર્જરી પણ અહીં કરવામાં આવી છે. 

પોલીસે ઘટનાક્રમ અંગે આપી માહિતી 

વિક્ટોરિયા પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાઓ રેયાન અને તેના મિત્રો પાસેથી અમુક સામાન છીનવવા માંગતા હતા. જ્યારે આ લોકોએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેમના પર હુમલો કર્યો. હુમલામાં રેયાન અને તેના બે મિત્રો ઘાયલ થયા હતા. ઘટના બાદ તમામ આરોપીઓ કારમાંથી ફરાર થઈ ગયા હતા. જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. તેની ઉંમર 20 વર્ષની છે. રેયાનની હાલત ખતરાની બહાર છે.


Google NewsGoogle News