વિદેશી નાગરિકોની સૈન્યમાં ભરતીનો ખેલ, રશિયા યુક્રેન યુધ્ધમાં માર્યા ગયા શ્રીલંકાના ૧૬ સૈનિકો
શ્રીલંકાના કુલ ૨૮૮ પૂર્વ સૈનિકોની ભાગીદારી હોવાની ઓળખ થઇ છે.
બંને દેશોનો પ્રવાસ કારનારા નાગરિકોનો ડેટા મેળવવામાં આવી રહયો છે.
કોલંબો,૧૫ મે,૨૦૨૪,બુધવાર
છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ચાલતા રશિયા અને યુક્રેન યુદ્ધમાં હજારો સૈનિકો માર્યા ગયા છે. બંને દેશોને ભારે જાનહાની વેઠવી પડી છે. રશિયાએ તરફથી દુનિયાના નેપાળ અને શ્રીલંકા જેવા દેશોના ભાડાના સૈનિકોની ભરતી કરવાનો સિલસિલો ચાલુ રાખ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુધ્ધમાં શ્રીલંકાના ૧૬ સૈનિકોના મોત થયા છે.
શ્રીલંકાના ઉપ રક્ષા મંત્રી પ્રેમિતા તેનાકૂનના જણાવ્યા અનુસાર શ્રીલંકામાં ગત સપ્તાહ સંઘર્ષ રશિયા -યુક્રેન યુદ્ધમાં પોતાના નાગરિકોની ભરતી થવા અંગેની તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ટાપુ દેશ શ્રીલંકાના કુલ ૨૮૮ પૂર્વ સૈનિકોની ભાગીદારી હોવાની ઓળખ થઇ છે. બંને દેશોનો પ્રવાસ કારનારા નાગરિકોનો ડેટા મેળવવામાં આવી રહયો છે. શ્રીલંકામાં વર્ષ ૨૦૨૨ના મધ્યમાં આર્થિક સંકટના કારણે મોટી સંખ્યામાં લોકો વિદેશ જતા રહયા હતા.
આમ તો શ્રીલંકા રશિયા અને યુક્રેનનો પ્રવાસ કરવા અંગે નાગરિકોને ચેતવણી આપતું રહયું છે તેમ છતાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી. શ્રીલંકાની પોલીસે રશિયાની સેના માટે લડવૈયાઓની ભરતી કરનારા ભરતી એજન્ટોની ગત સપ્તાહ ધરપકડ કરી હતી. જેમાં એક મેજર જનરલ સહિત બે પૂર્વ સૈન્ય અધિકારીઓનો સમાવેશ થતો હતો. કોલંબોમાં પત્રકાર પરિષદમાં ઉપ રક્ષામંત્રીએ ૧૬ સૈનિકો યુદ્ધમાં કયા પક્ષ વતી લડતા હતા તે અંગે કોઇજ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.
જો કે સત્તારુઢ પાર્ટીના સાંસદ ગામિની વાલેબોડાએ સંસદમાં જણાવ્યું હતું કે મોટા ભાગના રશિયન સેના વતી લડવા માટે ભરતી કરવામાં આવ્યા હતા. ભરતી કરવામાં આવેલા સૈનિકોને મોટું વેતન આપવાનો ખોટો વાયદો કરવામાં આવ્યો હતો એટલું જ નહી નોન કોમ્બેટ ભૂમિકા આપવાનો દિલાસો આપવામાં આવ્યો હતો. શ્રીલંકાની સરકારે સમગ્ર ઘટનાને માનવ તસ્કરી તરીકે નોંધી છે. યુક્રેન -રશિયા યુદ્ધમાં પોતાના નાગરિકો જોડાવાની ઘટનાને ખૂબજ ગંભીરતાથી લીધી છે. અગાઉ નેપાળ છોડીને રશિયા ગયેલા નેપાળી ૧૯ લડવૈયાઓના મોત થતા હાહાકાર મચી ગયો હતો. (પ્રતિકાત્મક ઇમેજ)