બ્રેડ પર ૧૬ ટકા ટેકસ,નવું આર્થિક વિધેયક જે કેન્યામાં બબાલનું કારણ બન્યું
પ્રદર્શનકારીઓએ સંસદ પરિસરમાં જ તોડફોડ કરીને આગ લગાડી
લોકો પહેલાથી જ મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહયા છે
નૈરોબી, 27 જૂન, 2024, ગુરુવાર
કેન્યામાં એક આર્થિક વિધેયકના કારણે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહયું છે. પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ગોળીબાર કરતા કમસે કમ પાંચ પ્રદર્શનકારીઓનું મોત થયા હતા. તાજેતરમાં રાજધાની નૈરોબીંમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસસુરક્ષા તોડીને સંસદ પર હુમલો કર્યો હતો, હુમલા પછી સંસદના કેટલાક ભાગોમાં આગ પણ લગાડવામાં આવી હતી.
કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ ખતરનાક લોકો દ્વારા દેશની સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડવા પ્રયાસ થયો છે આથી તેમને નિયંત્રણમાં રાખવા તમામ ઉપાયો કરવામાં આવશે. કેન્યામાં આમ પણ એક આર્થિક વિધેયકનો વિરોધ અને ગણગણાટ ઘણા સમયથી ચાલતો હતો પરંતુ મંગળવારે સાંસદો દ્વારા સંશોધિત વિધેયક પાસ કરવામાં આવતા પ્રદર્શનકારીઓએ સંસદ પરિસરમાં જ તોડફોડ કરીને આગ લગાડી હતી. આ વિધેયકમાં સામાન્ય નાગરિકોના વ્યવસાયો પર ટેકસનું ભારણ નાખવાનો સમાવેશ થાય છે.
દેશમાં લોકો પહેલાથી જ મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહયા હોવાથી ટેકસનું ભારણ મુશ્કેલી વધારનારું સાબીત થશે. આર્થિક વિધેયકમાં ઓછામાં ઓછી ૫૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલોના ઉપકરણો અને વસ્તુઓ તેમજ સેવા પર ૧૬ ટકા ટેકસ લગાવવાની જોગવાઇ કરવામાં આવી છે. અનેક કેન્યાઇ લોકોને ચિંતા છે કે આથી આરોગ્યની સેવાઓ વધુ મોંઘી બનશે. કેટલાકે એવી પણ અફવા ફેલાવી હતી કે કેન્સરના દર્દીઓ પાસેથી પણ ટેકસ વસૂલવામાં આવશે.
ઇમ્પોર્ટ ટેકસ પણ ૨.૫ ટકાથી વધારીને ૩ ટકા કરવાનો પ્રસ્તાવ
અનેક ચીજવસ્તુઓ પર ટેકસના ભારણનો પ્રદર્શનકારીઓ મુદ્વો ઉઠાવ્યો હતો. ઇમ્પોર્ટ ટેકસ પણ ૨.૫ ટકાથી વધારીને ૩ ટકા કરવાનો પ્રસ્તાવ છે. લોકોને શંકા છે કે ઇમ્પોર્ટ ટેકસના ભારણથી ઇમ્પોર્ટ પ્રોડકટ્સની કિંમતો વધી જશે. શરુઆતમાં તો બ્રેડ પર ૧૬ ટકા સેલ ટેકસ અને ખાવાના તેલ પર ૨૫ ટકા ડયૂટીનો પ્રસ્તાવ હતો. મૂળ વિધેયકમાં બ્રેડ ઉપરાંત સેનેટરી પેડ પર પણ ટેકસનો પ્રસ્તાવ હતો. આ વિધેયકની ખૂબ ચર્ચા ચાલી જેથી લોકોમાં ખૂબજ અપ્રિય બન્યું હતું. આ વિવાદાસ્પદ વિધેયકને સંસદમાં પાસ કરીને અમલ કરવાની નોબત આવતા કેન્યામાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે.