મલેશિયામાં 16 ઇસ્લામિક કાયદા રદ, કટ્ટરવાદીઓ ભડક્યા, સુપ્રીમના 8 જજોના ચુકાદા બાદ વિરોધ શરૂ

મહિલાઓ-પુરુષોમાં પોષાકનો ભેદ સહિતના કાયદાઓનો સુપ્રીમ કોર્ટ દ્વારા નિકાલ

મલેશિયાની બે મુસ્લિમ મહિલાઓએ કટ્ટર કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકારી જીત મેળવી નવો ઇતિહાસ રચ્યો

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
મલેશિયામાં 16 ઇસ્લામિક કાયદા રદ, કટ્ટરવાદીઓ ભડક્યા, સુપ્રીમના 8 જજોના ચુકાદા બાદ વિરોધ શરૂ 1 - image

Malasiya news | ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે મુસ્લિમ બહુમત દેશ મલેશિયામાં પણ નવો વળાંક આવ્યો છે. મલેશિયાની સુપ્રીમ કોર્ટે 16થી પણ વધુ ઇસ્લામિક શરિયત કાયદાઓને રદ કરી દીધા છે. જેને પગલે મલેશિયાના મુસ્લિમ કટ્ટરવાદીઓ રોષે ભરાયા છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો જ વિરોધ કરવા લાગ્યા છે. મલેશિયન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ તમામ કાયદા મલેશિયાના બંધારણની વિરુદ્ધમાં છે તેથી તેને ના ચલાવી લેવાય.

સ્થાનિક સરકારે લાવ્યા હતા કાયદા 

મલેશિયાના એક રાજ્ય કેલંતનની સ્થાનિક સરકાર દ્વારા આ 16 ઇસ્લામિક કાયદા અમલમાં લાવવામાં આવ્યા હતા, આ તમામ કાયદા શરિયત હેઠળના હતા. જેમાં કુકર્મ, યૌન ઉત્પીડન, અનાચાર અને વિપરિત લિંગ સંબંધીત કપડા પહેરવા એટલે કે સ્ત્રીઓને પુરુષો જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેને મલેશિયાની સુપ્રીમ કોર્ટે રદ કરી દેતા કહ્યું હતું કે આ કાયદા દેશના સંઘીય કાયદાઓમાં અવરોધ પેદા કરી રહ્યા છે. રાજ્ય આવા વિષયો પર ઇસ્લામિક કાયદા ના બનાવી શકે કેમ કે મલેશિયા સંઘીય ઢાંચાની કાયદાકીય વ્યવસ્થામાં આવે છે. 

મલેશિયામાં બે પ્રકારની ન્યાય વ્યવસ્થા

મલેશિયામાં બે પ્રકારની ન્યાય વ્યવસ્થા છે, જેમાં શરિયા હેઠળ મુસ્લિમોના વ્યક્તિગત અને પારિવારિક તેમજ સિવિલ મામલા આવે છે. શરિયા ઇસ્લામી કાયદો છે, જે કુરાન અને હદીસ પર આધારિત માનવામાં આવે છે. મલેશિયાની સુપ્રીમ કોર્ટમાં બે મુસ્લિમ મહિલાઓ પહોંચી હતી અને તેમણે રાજ્યના આ 16 કાયદાઓને પડકાર્યા હતા જેમાં મહિલાઓને પુરુષો જેવા કપડા પહેરતા રોકવાના કાયદાનો પણ સમાવેશ થાય છે. મલેશિયાની સુપ્રીમ કોર્ટે આ તમામ ઇસ્લામિક કાયદાઓને રદ કરી દીધા છે. 

મલેશિયામાં 97 ટકા મુસ્લિમ

મલેશિયામાં 97 ટકા મુસ્લિમ જ્યારે અન્યોમાં ભારતીય હિન્દુઓ અને ચીનના નાગરિકોનો સમાવેશ થાય છે. સુપ્રીમના આ ચુકાદાને પગલે મલેશિયાના કેલંતન રાજ્યના સત્તાધારી અને રુઢીવાદી વિપક્ષ પીએએસના કાર્યકર્તાઓએ સુપ્રીમને ઘેરી લીધી હતી અને ધરણા પ્રદર્શન કર્યા હતા. તેઓનો દાવો છે કે આ ચુકાદાથી જે શરિયા કોર્ટો છે તે નબળી પડી શકે છે. જ્યારે આ ચુકાદાનુ અરજદાર મુસ્લિમ મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મલેશિયાની સુપ્રીમ કોર્ટના નવ જજોની બેંચ દ્વારા ચુકાદો અપાયો હતો જેમાં આઠ જજો આ કાયદાને રદ કરવાની તરફેણમાં હતા.


Google NewsGoogle News