VIDEO: મોઝામ્બિકમાં ચૂંટણી બાદ હિંસક દેખાવો, 1500 કેદી ફરાર, અનેક ગુજરાતી લૂંટાયા, 150 જણના મોત
Mozambique violence : આફ્રિકાના મોઝામ્બિકાની સુપ્રીમ કોર્ટના એક નિર્ણયના કારણે દેશમાં ઉથલપાથલ મચી ગઈ છે. દેશમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 150થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હિંસા દરમિયાન અનેક ગુજરાતીઓના મોલ અને વેરહાઉસમાં લૂંટફાટ કરવામાં આવી છે. ભીડે કેટલાક મોલ આગ ચંપી કરી સળગાવી દીધા છે.
તાજેતરની હિંસામાં બે પોલીસ અધિકારી સહિત 21ના મોત
વાસ્તવમાં 9 ઑક્ટોબર-2024માં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઘણો વિવાદ થતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સત્તાધારી ફ્રીલીમો પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચૈપોને વિવાદાસ્પદ ચૂંટણીના વિજેતા જાહેર કર્યા છે, જેના કારણે ત્યાં હિંસા ભડકી ગઈ છે. પોલીસ અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, તાજેતરની હિંસામાં બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે.
હારેલા ઉમેદવારના સમર્થકોએ ભડકાવી હિંસા
મોઝામ્બિકાના ગૃહમંત્રી પાસ્કોલ રોંડાએ આજે મોડી રાત્રે માપુતો શહેરમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હિંસા અને લૂંટફાટ શરુ થઈ ગઈ છે. આ હિંસા ચૈપોના પ્રતિસ્પર્ધી અને ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવાર વેનાંસિયો મોંડલેનના યુવા સમર્થકોએ ભડકાવી છે. આ ચૂંટણીમાં ચૈપોને 65 ટકા મત મળ્યા હતા, જ્યારે મોંડલેનને 24 ટકા મત મળ્યા હતા. રોંડાએ કહ્યું કે, પ્રાથમિક સર્વેમાં એવી માહિતી સામે આવી છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં હિંસાની 236 ઘટનાઓ નોંધાઈ છે.
ભીડે 25 વાહનોને આગ ચાંપી, જેલ પર હુમલો થતાં 1534 કેદીઓ ફરાર
ગૃહમંત્રીએ કહ્યું કે, અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર દેશમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલીસ કમિશ્નરના જણાવ્યા મુજબ તાજેતરની હિંસાની ઘટનામાં 33 લોકોના મોત થયા છે અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત હિંસા દરમિયાન મોઝામ્બિકાના માપુટોમાં આવેલી જેલમાંથી 1534 કેદીઓ ફરાર થઈ ગયા છે. જેલમાં કુલ 2,500થી વધુઓ કેદીઓ અથવા આરોપીઓ હતા. ગૃહમંત્રીએ કહ્યું કે, પોલીસના બે વાહનો સહિત 25 વાહનોને આગ ચાંપવામાં આવી છે. જ્યારે ભીડે 11 પોલીસ ચોકીઓ અને એક જેલ પર હુમલો કરી તોડફોડ કરી છે, જેમાંથી 1534 કેદીઓ ફરાર થઈ ગયા છે.
આ પણ વાંચો : મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને હાર્ટએટેક, જૈશ એ મોહમ્મદનો વડો પાકિસ્તાનમાં ભરતી
હિંસાની વિવિધ ઘટનાઓમાં 150ના મોત
મોંડલેનાના સમર્થકોએ શુક્રવારે બંધની જાહેરાત કરી છે. દેશમાં અગાઉ પણ હિંસા થઈ હતી અને મંગળવારે રાત્રે રાજધાનીમાં પણ તણાવપૂર્ણ સ્થિતિ હતી. દેશની ચૂંટણી સંસ્થાએ પ્રારંભિક પરિણામો જાહેર કર્યા બાદ મતદાન પછીની હિંસાની વિવિધ ઘટનાઓમાં કુલ 150 લોકોના મોત થયા છે.
આ પણ વાંચો : જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, 9 ફ્લાઈટો મોડી પડી, ટિકિટ વેચાણ પણ ઠપ કરાયું