મહારાણી એલિઝાબેથના શાસનકાળમાં બ્રિટનમાં 15 વડાપ્રધાનો બદલાયાં
અમદાવાદ,
એલિઝાબેથે ૧૮૭૪માં જન્મેલા વિન્સ્ટન ચર્ચિલથી લઈને ૧૯૭૫માં જન્મેલા લિઝ ટ્રસ સુધીના વડાપ્રધાનોને શપથ લેવડાવ્યા હતા. ૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨માં એલિઝાબેથને ગાદી મળી હતી. એલિઝાબેથ મહારાણી બન્યાં ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ હતા. એન્થની ઈડન ૧૯૫૫થી ૧૯૫૭ સુધી વડાપ્રધાન રહ્યા હતા. ત્યારબાદ ૧૯૫૭થી ૧૯૬૩ સુધી હારોલ્ડ મેક્મિલન, ૧૯૬૩થી ૧૯૬૪ દરમિયાન એલેક ડગલસ-હોમ, ૧૯૬૪થી ૧૯૭૦ હારોલ્ડ વિલ્સન અને ફરીથી ૧૯૭૪થી ૧૯૭૬ હારોલ્ડ વિલ્સન, ૧૯૭૦થી ૧૯૭૪ એડવર્ડ હીથ, ૧૯૭૬થી ૧૯૭૯ જેમ્સ કાલેગન વડાપ્રધાન રહ્યા હતા. ૧૯૭૯માં બ્રિટનને પ્રથમ મહિલા વડાંપ્રધાન મળ્યા હતા, માર્ગારેટ થેચર. એ વખતે ઈતિહાસમાં પહેલી વખત એવો સંયોગ સર્જાયો હતો કે બ્રિટનમાં રાણીનું રાજ હોય અને વડાંપ્રધાન પણ મહિલા બન્યાં હોય. માર્ગારેટ થેચર ૧૯૯૦ સુધી પીએમ રહ્યાં હતાં. ૧૯૯૦થી ૧૯૯૭ જોન મેજર, ૧૯૯૭થી ૨૦૦૭ ટોની બ્લેર, ૨૦૦૭થી ૨૦૧૦ ગોર્ડન બ્રાઉન, ૨૦૧૦થી ૨૦૧૬ ડેવિડ કેમરોન વડાપ્રધાન રહ્યા હતા. ૨૦૧૬થી ૨૦૧૯ સુધી થેરેસા મે બ્રિટિશ વડાપ્રધાન બન્યાં ત્યારે ફરીથી રાણી અને મહિલા વડાપ્રધાનનો સંયોગ સર્જાયો હતો. ૨૦૧૯થી જુલાઈ-૨૦૨૨ સુધી બોરિસ જ્હોન્સન વડાપ્રધાન હતા. લિઝ ટ્રસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા તેને માત્ર ગણતરીના દિવસો જ વીત્યા હતા. ત્રીજી અને છેલ્લી વખત બ્રિટનમાં મહારાણીનું શાસન અને મહિલા વડાંપ્રધાનનો સંયોગ રચાયો હતો. નિધનના બે દિવસ પહેલાં મહારાણીએ બાલમોરસ કેસલમાં જ નવા વડાંપ્રધાનની સત્તાવાર નિયૂક્તિ કરી હતી. એ વખતે તેઓ છેલ્લી વખત જાહેરમાં દેખાયાં હતાં.