નવમા ધોરણમાં ભણતા મૂળ ભારતીય છોકરાએ AIની મદદથી કરી કમાલ, બન્યો અમેરિકાનો ટોચનો યુવા વિજ્ઞાની
Sirish Subash Become Americas Top Young Scientist: આપણાં શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કઠોળમાં પણ ખતરનાક જંતુનાશકના અંશ હોઈ શકે છે. આ પ્રકારના જંતુનાશકોને શોધી કાઢવા નવમાં ધોરણમાં અભ્યાસ કરતાં 14 વર્ષના ભારતીય મૂળના સિરીશ સુભાષે એક મશીન બનાવ્યું છે. આ શોધ સુભાષે અમેરિકાની મલ્ટીનેશનલ કંપની 3M અને ડિસ્કવરી એજ્યુકેશનના મિનેસોટાના સેન્ટ પૉલમાં આયોજિત પ્રમુખ મિડલ સ્કૂલ વિજ્ઞાન સ્પર્ધામાં કરી હતી. જેમાં તેણે જીત હાંસલ કરી અમેરિકાના ટોપ યુવા વૈજ્ઞાનિક ખિતાબ મેળવ્યો છે.
જ્યોર્જિયામાં રહેતા ભારતીય મૂળના 14 વર્ષીય સિરીશ સુભાષે PestiSCAND નામથી ડિવાઇસ બનાવ્યું છે, જે ખાદ્ય ઉત્પાદનોમાં જંતુનાશકો શોધવામાં સક્ષમ છે. સુભાષે પોતાની ટેકનિક માટે ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસન (FDA)ના ડેટાનો ઉપયોગ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 70.6 ટકા ઉત્પાદન ખોરાકમાં જંતુનાશકના અંશ હોય છે.
અલ્ઝાઇમર જેવા રોગોથી બચાવશે
સિરીશ સુભાષે આ વિશે વાત કરતાં જણાવ્યું કે, જંતુનાશકના અંશ મસ્તિષ્ક કેન્સર, લ્યુકેમિયા, અલ્ઝાઇમર અને પાર્કિન્સન્સ જેવા રોગોનું કારણ બની શકે છે. તેથી મેં પેસ્ટીસ્કેન્ડ (PestiSCAND) નામનું ડિવાઇસ છે. આ એક એવું ડિવાઇસ છે, જે તમામ લોકોને ઘરે પોતાની ખાદ્ય ચીજવસ્તુઓ પર જંતુનાશકનો અંશ છે કે નહીં તે જણાવે છે. જંતુનાશકના અવશેષ સામાન્ય રીતે ફૂડ પ્રોડક્ટને ખરાબ કરી દે છે, જે સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પેસ્ટીસ્કેન્ડની એક્યુરેસીની તપાસ કરવા સુભાષે પાલક અને ટામેટા પર જંતુનાશકના અવશેષની ઓળખ કરવા માટે એઆઇ બેઝ્ડ હેન્ડ હેલ્ડ જંતુનાશક ડિટેક્ટરનો ઉપયોગ કર્યો. ડિવાઇઝની એક્યુરેસી 85 ટકાથી વધુ આવી.
યુવા ટેલેન્ટ માટે 17 વર્ષથી ચાલે છે આ સ્પર્ધા
સાયન્સ, ટૅક્નોલૉજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)ના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને સામે લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા 17 વર્ષથી અમેરિકામાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સ્પર્ધા કરાવનાર કંપની 3M ના ઈવીપી અને ચીફ પબ્લિક અફેર્સ ઑફિસર ટોરી ક્લાર્કે જણાવ્યું કે, 3M આવા ટેલેન્ટને શોધી તેમને પ્રોત્સાહન આપે છે.
વિજેતાને મળે છે 25 હજાર ડોલર
14 અને 15 ઑક્ટોબરે આયોજિત આ સ્પર્ધામાં સિરીશ સુભાષે અમેરિકાના ટોપ યુવા વિજ્ઞાનીનો ખિતાબ જીત્યો છે. તેને પોતાની જીત માટે 25 હજાર ડોલર રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે. બીજા નંબર પર ઓરગૉનના મિનુલા વીરસેકરા અને ન્યૂયોર્કથી આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિલિયમ ટેને ત્રીજો નંબર મેળવ્યો છે. બીજો અને ત્રીજો નંબર મેળવનાર વિજેતાને 2 હજાર ડોલરનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.