ફિનલેન્ડમાં 12 વર્ષનો વિદ્યાર્થી સ્કૂલે હેન્ડગન લઈ ગયો, ગોળીબારમાં સાથી વિદ્યાર્થીનું મોત, 2 ઘાયલ
- ગોળીબાર કરનાર વિદ્યાર્થીની ધરપકડ : અન્ય બે ઘાયલ
- સવારે ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ શાળામાં તૈનાત કરવામાં આવી હતી
હેલસિન્કી : ફિનલેન્ડની એક માધ્યમિક શાળામાં મંગળવારની સવારે એક ૧૨ વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કરતા એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય બે વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.ઘટના પછી ગોળીબાર કરનાર વિદ્યાર્થીની ધરપકડ કરી લેવામાં આવી છે.
સવારે ૯.૦૮ કલાકે ગોળીબારની જાણ કરવામાં આવતા મોટી સંખ્યામાં શસ્ત્રો સાથેની પોલીસ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કીની બહાર આવેલા વાન્ટા શહેરમાં આવેલ લોઅર સેકન્ડરી સ્કૂલની આસપાસ તૈનાત કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર અને પીડિતો તમામની ઉંમર ૧૨ વર્ષની છે. પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબાર કરનાર વિદ્યાર્થીની હેન્ડગન સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘાયલ એક વિદ્યાર્થીનું મોત થઇ ગયું છે. ઘાયલ થયેલા અન્ય બે વિદ્યાર્થીઓની પણ સ્થિતિ ગંભીર છે તેમ યુસિમા પોલીસ ડિપાર્ટમેન્ટના ચીફ ઓફ પોલીસ ઇલ્કા કોસ્કીમાકીએ જણાવ્યું છે.
ફિનલેન્ડના વડાપ્રધાન પેટેરી ઓર્પેએ એક્સ પર જણાવ્યું છે કે તે આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ફિનલેન્ડમાં શાળામાં ગોળીબારની બે મોટી ઘટનાઓ જોવા મળી છે.
નવેમ્બર, ૨૦૦૭માં શાળામાં થયેલ ગોળીબારની ઘટનામાં ૯ લોકોનાં મોત થયા હતાં. સપ્ટેમ્બર ૨૦૦૮માં થયેલી ઘટનામાં ૨૨ વર્ષના વિદ્યાર્થીએ ૧૦ લોકોની હત્યા કરી હતી.