વિશ્વભરમાં 12 કરોડ વિસ્થાપિતો છે જે વિશ્વ સમાજ માટે અપરાધી આરોપ સમાન છે
- સંયુક્ત રાષ્ટ્રોનો આઘાતજનક અહેવાલ
- ગાઝા, સુદાન અને મ્યાનમારમાં ચાલતાં યુદ્ધો હજી પણ વધુ લોકોને તેમનાં ઘરબાર છોડવાની ફરજ પાડી રહ્યાં છે
જીનીવા : સંયુક્ત રાષ્ટ્રોએ ગુરૂવારે એક આંચકાજનક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે યુદ્ધો, હિંસાઓ અને સતત સતામણીને લીધે વિશ્વભરમાં ઓછામાં ઓછા ૧૨ કરોડ લોકો પોતાનાં ઘરબાર છોડી જતાં રહ્યાં છે. આ પરિસ્થિતિ વિશ્વ સમાજ માટે અપરાધી આરોપ સમાન છે. તેટલું જ નહીં પરંતુ આ વિસ્થાપિતોની સંખ્યા વધતી જ જાય છે જે વિશ્વ સમાજ ઉપરના અતિગંભીર અપરાધી આરોપ સમાન છે.
આ માહિતી આપતાં સંયુક્ત રાષ્ટ્રોની નિર્વાસિતોની સહાય માટેની સંસ્થા યુ.એન.એચ.સી.આર. (યુનાઇટેડ નેશન્સ હાઇકમીશન ફોર રેફ્યુજીસ) આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં થઇ રહેલા સંઘર્ષોએ પૂર્વેના તમામ વિક્રમો તોડી નાખ્યા ચે. ગાઝા, સુદાન, અને મ્યાનમારમાં લોકોએ ના છૂટકે તેઓનાં ઘરબાર છોડવાં પડયાં છે.
સંખ્યા જાપાનની કુલ વસ્તી જેટલી થવા જાય છે. તેમ પણ તે સંસ્થાનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
સંભાળ રાખનારી યુએનની આ એજન્સીના ચીફ ફિલિપ્પો ગ્રાન્ડીએ પત્રકારોને આ માહિતી આપી હતી. તે સંસ્થાના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું કે ગત વર્ષે આ વિસ્થાપિતોની સંખ્યા ૧૧ કરોડ ૭૩ લાખે પહોંચી હતી. જેમાં ૨૦૨૪ના એપ્રિલ સુધીમાં વધારો થયો હતો. પરિણામે વિશ્વભરમાં કુલ વિસ્થાપિતોની સંખ્યા વધીને ૧૨ કરોડથી પણ ઉપર પહોંચી છે. આમ એક વર્ષમાં જ વિસ્થાપિતોની સંખ્યા ૧ કરોડ ૧૦ લાખ જેટલી વધી ગઈ હતી. છેલ્લાં ૧૨ વર્ષથી એટલે કે ૨૦૧૨થી નવી અને નવી કટોકટીઓ ઉપસ્થિત થઇ રહી છે, અને ૨૦૨૪માં તેમાં ૩ ગણો વધારો થયો છે. આ કટોકટીઓ દૂર કરવામાં અમોને નિષ્ફળતા મળી છે. તેમ પણ ફીલિપ્પો ગ્રાન્ડીએ સ્વીકાર્યું હતું. સાથે કહ્યું હતું કે આ પરિસ્થિતિ વિશ્વ સમાજ માટે માત્ર શરમજનક જ નથી. વિશ્વ સમાજ ઉપરના અપરાધી આરોપ સમાન છે.