જ્યોર્જિયાના રિસોર્ટમાં ઊંઘમાં જ 11 ભારતીય નાગરિકોના થયા મોત, ભારતીય દૂતાવાસે જાહેર કર્યું નિવેદન
11 Indians Found Dead in Georgia: જ્યોર્જિયાથી ભારત માટે માઠા સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર, જ્યોર્જિયાના ગુડૌરી સ્થિત એક હિલ રિસોર્ટમાં 12 જેટલાં લોકોના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકોમાં 11 ભારતીય નાગરિકો અને એક જ્યોર્જિયન નાગરિકના મોત થયા છે. ભૂતપૂર્વ સોવિયેત દેશમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પ્રારંભિક અહેવાલો અનુસાર, ઝેરી કાર્બન મોનોક્સાઇડ ગેસના કારણે 11 ભારતીય લોકોના મોત થયા હોવાની સંભાવના છે. રૂમમાં તેઓ રાત્રે સૂતા હતા ત્યારે જ તેમના મૃત્યુ થયા.
ભારતીય દૂતાવાસે નિવેદન જારી કર્યું
જ્યોર્જિયાની રાજધાની તિબિલિસીમાં ભારતીય દૂતાવાસે ગુડૌરીમાં 11 ભારતીય નાગરિકોના કમનસીબ મૃત્યુને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ભારતીય દૂતાવાસે કહ્યું, "દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યું છે જેથી કરીને મૃતદેહોને જલદી સ્વદેશ મોકલી શકાય."
આ પણ વાંચો: સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે PM નેતન્યાહૂનો મોટો નિર્ણય, ઈઝરાયલનો નક્શો બદલવાનું શરૂ કર્યું!
જ્યોર્જિયામાં ભારતીય દૂતાવાસે 16 ડિસેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમે શોકગ્રસ્ત પરિવારો સાથે પણ સંપર્કમાં છીએ." શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ."
શારીરિક ઈજાના કોઈ નિશાન નહીં
જ્યોર્જિયાના ગુડૌરીના હિલ રિસોર્ટમાં કુલ 12 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી 11 ભારતીય હતા. માહિતી અનુસાર, જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે, પીડિતોમાંથી કોઈ પર હિંસા કે શારીરિક ઈજાના કોઈ નિશાન નથી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે.
રેસ્ટ એરિયામાંથી મળી આવ્યા મૃતદેહો
મળતી માહિતી મુજબ, રેસ્ટોરન્ટના બીજા માળે રેસ્ટ એરિયામાં ભારતીય નાગરિકોના મૃતદેહ મળી આવ્યા હતા. બધા ત્યાં કામ કરતા હતા. તમને જણાવી દઈએ કે, ગુડૌરી જ્યોર્જિયામાં ગ્રેટર કાકેશસ પર્વતમાળા પર સ્થિત એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે. હાલ, તમામના શંકાસ્પદ મોત મામલે તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે.
કાર્બન મોનોક્સાઇડના લીધે થયા મોત?
પ્રાથમિક માહિતી અનુસાર, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતાં હાજર તમામના મોત થયા હોવાની શક્યતા છે. જો કે, આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયડો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.