યુદ્ધના 1000 દિવસ: શાંતિ કરાર પહેલા યુક્રેનના અનેક વિસ્તારો પર કબજાની ફિરાકમાં રશિયા, તાબડતોબ હુમલા શરૂ
રશિયા શાંતિ કરારો પહેલા યુક્રેનના અનેક વિસ્તારો પર કબજાની ફિરાકમાં
કીવ: રશિયાએ યુક્રેન પર હુમલા કરીને યુદ્ધની શરૂઆત કરી હતી તેને 1000 દિવસ થઇ ગયા છે. જોકે તેમ છતા બેમાંથી એક પણ દેશ સમજૂતી કરવા કે શાંતિ સ્થાપવા માટે તૈયાર નથી. આ સ્થિતિ વચ્ચે હવે રશિયાએ હુમલાની ગતિ વધારી દીધી છે. રશિયાએ રવિવારે છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેન પર 120 મિસાઇલ, 90 ડ્રોન છોડયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે.
રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ યુક્રેન પર સૌથી પહેલો હુમલો કર્યો હતો, યુક્રેન પર કબજો કરવાના ઇરાદાથી રશિયાએ શરૂ કરેલા આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે. તાજેતરમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાઇ આવ્યા છે અને ઇચ્છે છે કે તેમનો આ વખતનો કાર્યકાળ શાંતિપૂર્ણ રહે. એવામાં રશિયાએ યુક્રેન પર હુમલા વધુ તેજ કરી નાખ્યા છે. સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીના પ્રોફેસર ફિલિપ્સ ઓબ્રિએને કહ્યું હતું કે જો ટ્રમ્પ યુક્રેનને મળનારી સહાયમાં કાપ મુકે અને બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ પેદા થાય તે પહેલા રશિયા જેટલો પણ શક્ય હોય એટલો વિસ્તાર પચાવી પાડવા માગે છે.
આખી રાત ડ્રોન અને સવારે મિસાઇલોનો મારો ચલાવી રશિયાએ યુક્રેનના મુખ્ય પાવર ગ્રિડને મોટુ નુકસાન પહોંચાડયું, સાતના મોત
રશિયા ધીમી ગતીએ જરૂર આગળ વધી રહ્યું છે પરંતુ ઇસ્ટર્ન યુક્રેનમાં તેની સ્થિતિ વધુ મજબૂત થઇ રહી છે. યુદ્ધના પ્રથમ વર્ષે જ યુક્રેને બહુ મોટો વિસ્તાર ગુમાવ્યો હતો. જોકે બાદમાં યુક્રેને કેટલોક વિસ્તાર પરત પણ મેળવી લીધો હતો. યુદ્ધના બીજા વર્ષે અમેરિકાએ યુક્રેનને મળનારી સહાયમાં ઘણુ મોડુ કર્યું હતું જેનો રશિયાએ ફાયદો ઉઠાવ્યો હતો. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં યુક્રેને રશિયા પર આશ્ચર્યજનક રીતે હુમલા વધારી દીધા હતા. સાથે જ કુર્સ્ક પ્રાંતમાં એક મોટો વિસ્તાર પોતાના કબજામાં રાખ્યો છે. જેના પર કબજો કરવા માટે રશિયાને પરશેવો છૂટી શકે છે. અને તેથી જ યુક્રેન સાથે રશિયા શાંતિ સમજૂતી કરવા સહમત થઇ શકે છે. આ સમજૂતી થાય તે પહેલા જ રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રવિવારે રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનના પાવર ગ્રિડને મોટુ નુકસાન થયું છે. રશિયાએ આખી રાત રાજધાની કીવ પર હવાઇ હુમલા કર્યા હતા સાથે જ ડ્રોન છોડયા હતા. બાદમાં સવારે રશિયાએ યુક્રેન પર મિસાઇલો છોડી હતી. આ હુમલા બાદ યુક્રેનની સૌથી મોટી ખાનગી વીજળી પુરી પાડતી કંપની ડીટીઇકેના સીઇઓ મેક્સિમ ટિમચેંકોએ કહ્યું હતું કે આ હુમલાને પગલે યુક્રેનના વીજળી માળખાને મોટું નુકસાન પહોંચ્યું છે.