સરમુખત્યાર કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી બનશે 10 વર્ષની છોકરી! દ.કોરિયાની ગુપ્તચર એજન્સીનો મોટો દાવો
Image Source: Twitter
પ્યોંગયાંગ, તા. 05 જાન્યુઆરી 2023 શુક્રવાર
દક્ષિણ કોરિયાની ગુપ્ત એજન્સીએ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનની 10 વર્ષીય પુત્રી તેમની ઉત્તરાધિકારી હોઈ શકે છે. કિમ જોંગની 10 વર્ષીય પુત્રી જૂ એ નવેમ્બર 2022માં પ્રથમ વખત જાહેરમાં જોવા મળી હતી. જ્યારે તેણે પોતાના પિતા સાથે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ જોયુ હતુ. ત્યારથી તેના વિશે ઘણા પ્રકારની અટકળો લગાવાઈ રહી છે.
બાદમાં જૂ એ પોતાના પિતા સાથે ઘણા જાહેર કાર્યક્રમોમાં પણ જોવા મળી છે અને સરકારી મીડિયાએ તેને પોતાના પિતાની ખૂબ પ્રિય કે સન્માનિત સંતાન ગણાવી છે. દક્ષિણ કોરિયાની પ્રમુખ ગુપ્ત એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (એનઆઈએસ) એ ગુરૂવારે કહ્યુ કે તેને લાગે છે કે જૂ એ પિતા કિમ જોંગ ઉનની ઉત્તરાધિકારી હોઈ શકે છે.
દક્ષિણ કોરિયાઈ અધિકારીઓ અનુસાર જૂ એ સિવાય કિમ જોંગ ઉનને અન્ય એક સંતાન છે, જે જૂ એ થી નાનો છે. ગુપ્ત માહિતીમાં જણાવાયુ છે કે કિમ જોંગની સંતાનોમાં જૂ એ થી એક મોટો પુત્ર પણ હોઈ શકે છે. જોકે, અત્યાર સુધી જૂ એ જ કિમની એકમાત્ર સંતાન છે જે જાહેરમાં જોવા મળી છે. દક્ષિણ કોરિયાની પ્રમુખ સરકારી જાસૂસી એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીએ નેશનલ એસેમ્બલીના એક સભ્યના માધ્યમથી ગુરુવારે જારી નિવેદનમાં કહ્યુ, હાલ કિમ જૂ એ ને સૌથી સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોઈ શકાય છે.