સમુદ્રમાં મળી 10 હજાર વર્ષ જૂની દીવાલ, પાષાણ યુગના માનવીઓએ બનાવી હોવાનું વિજ્ઞાનીઓનું અનુમાન
જર્મનીના મેકલેનબુર્ગ અખાત પાસેના બાલ્ટિક સમુદ્રમાં પથ્થરોની એક કિલોમીટર લાંબી દીવાલ મળી
આ દીવાલ બનાવવા માટે કુલ 1673 પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે
Image Social Media |
જર્મનીના મેકલેનબુર્ગ અખાત નજીક આવેલા વાલ્ટિક સમુદ્રની અંદર પથ્થરોની એક કિલોમીટર લાંબી દીવાલ મળી આવી છે, વિજ્ઞાનીઓનું અનુમાન છે કે આ દીવાસ આશકે 10 હજાર વર્ષ કરતાં પણ પ્રાચીન હોવી જોઈએ. વર્ષ 2021માં દરિયાઈ કાંપના મેપિંગ દરમિયાન આ પ્રાચીન માળખું મળી આવ્યું હતું.
વિજ્ઞાનીઓેએ કરેલા વધુ અભ્યાસ બાદ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ દીવાલ પાષાણ યુગના માનવીઓએ કદાચ શીત પ્રદેશના હરણનો શિકાર કરવા માટે બનાવી હશે. હાલમાં જ મળેલા આ રિપોર્ટ પ્રોસિડિંગ્સ ઓફ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રસિદ્ધ થયો છે.
1673 પથ્થરોથી બનેલી છે આ દીવાલ
પાષાણ યુગનું આ માળખું જર્મનીના મેકલેનબર્ગના અખાત પાસે સમુદ્રમાં 21 મીટરની ઊંડાઈએ છે. તેમજ આ દીવાલ બનાવવા માટે કુલ 1673 પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની ઉંચાઈ એક મીટરથી પણ ઓછી છે. આશરે એક કિલોમીટર લાંબા વિસ્તારમાં તેના પથ્થરો વિખેરાયેલા જોવા મળે છે. વિજ્ઞાનીઓનું કહેવા પ્રમાણે આ કુદરતી દીવાલ નથી, માનવ સર્જીત હોઈ શકે છે.
પાણીના અવાજથી દીવાલની ખબર પડી
મેકલેનબુર્ગ ખાડી બાલ્ટિક દરિયાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં આવેલો છે. ગયા દશકામાં આ દરિયાની સપાટીની રચના અને આકારને સમજવા માટે ત્યાં ઘણુ સંશોધન કરવામાં આવ્યું છે. આવા જ એક મેપિંગ પ્રોજેક્ટ દરમિયાન જમા થયેલા હાઇડ્રોકોસ્ટિક ડેટામાંથી આ પ્રાચીન બંધારણ વિશેની માહિતી મેળવવામાં આવી હતી. જો કે હજુ વધુ તપાસ માટે સંશોધકોની એક ટીમ દરિયામાં ઊંડાણ સુધી પહોંચ્યા છે.