અમેરિકામાં સ્કૂલમાં ભણતાં 17 વર્ષના કિશોરે સાથી વિદ્યાર્થીઓ પર ગોળીઓ વરસાવી, 1નું મોત, 5 ઘાયલ
ગોળીબારની આ ઘટના અમેરિકન રાજ્ય આયોવાની એક હાઈસ્કૂલમાં બની હતી
US Shooting news | અમેરિકામાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ બાદ શાળાઓ ખુલતાં જ એક દુઃખદ ઘટના બની હતી. પહેલા જ દિવસે ગોળીબારની ઘટના બનતાં અમેરિકા ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. ગોળીબારની આ ઘટના અમેરિકન રાજ્ય આયોવાની એક હાઈસ્કૂલમાં બની હતી, જ્યાં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો જ્યારે ઘણાં લોકો ઘાયલ થયાની માહિતી મળી હતી. પીડિતોની વય 11થી 12 વર્ષની વચ્ચે હોવાની જાણકારી મળી રહી છે.
મૃતકાંક પણ વધી શકે છે
હુમલાખોરની વય 17 વર્ષની હોવાની જાણકારી મળી રહી છે. તે એક હેન્ડગન અને શોટગન લઈને આવી પહોંચ્યો હતો અને તેના સાથી વિદ્યાર્થીઓએ પણ તેણે ગોળીઓ વરસાવી દીધી હતી. માહિતી અનુસાર મૃતકાંક વધવાની આશંકા છે. જોકે હજુ સુધી આ ઘટનામાં જાનહાનિ અંગે પોલીસ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી. ગોળીબારની આ ઘટના એવા સમયે બની હતી જ્યારે થોડા સમય બાદ દેશભરમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટેની પ્રથમ હરીફાઈ યોજાવા જઈ રહી છે.
કેવી રીતે બની ઘટના?
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ગુરુવારે વહેલી સવારે એક હુમલાખોરે પેરી હાઈસ્કૂલ પર હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગની ઘટના બાદ ઘણી તપાસ એજન્સીઓ સવારે 9 વાગ્યે હાઈસ્કૂલ ધસી આવી હતી. ફાયરિંગની ઘટના વિશે ડલ્લાસ કાઉન્ટી શેરિફ ઓફિસે પુષ્ટિ કરતાં જણાવ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ, જોકે હજુ જાનહાનિનો આંકડો સ્પષ્ટ રીતે સામે આવ્યો નથી.
હુમલાખોરે પોતાને ગોળી મારી
ફાયરિંગની ઘટનામાં 5 લોકો ઘાયલ થયાની પણ માહિતી મળી રહી છે. જેમાં બે વિદ્યાર્થીઓ અને એક સ્કૂલ એડમિનિસ્ટ્રેટર પણ સામેલ છે. ઘાયલો વિશે વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે. હુમલાને અંજામ આપ્યા બાદ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.