વિદેશી રાજદ્વારીઓને લક્ષીને કરાયેલા પ્રચંડ વિસ્ફોટથી 1 પોલીસનું મોત : 3 ગંભીર : રાજદ્વારીઓ બચી ગયા
- ખૈબર-પખ્તુનવા પ્રાંતના સ્વાત જિલ્લાનાં માલમ-જબ્બા સ્થિત રિસોર્ટમાં આ રાજદ્વારીઓ આરામ કરવા જઈ રહ્યા હતા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સતત અશાંત રહેતા ખૈબર-પખ્તુનવા પ્રાંતના સ્વાત જિલ્લા સ્થિત એક રિસોર્ટ તરફ જઈ રહેલા વિદેશી રાજદ્વારીઓના કાફલા ઉપર વિસ્ફોટ કરાતા તે રાજદ્વારીઓ તો બચી ગયા. પરંતુ ૧ પોલીસનું મૃત્યુ થયું જયારે બીજા ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ગઈકાલે (રવિવારે) બનેલી આ ઘટનાની વિગત એવી છે કે, ૧૧ દેશોના પંદર રાજદ્વારીઓ રવિવારની રજા માણવા સ્વાત જિલ્લા સ્થિત પર્વતીય રિસોર્ટ માલમ જબ્બા તરફ જઈ રહ્યા હતા ત્યારે જહાનાબાદ પાસે, તેમના કાફલા ઉપર બોંબ વિસ્ફોટ કરવાનો આતંકવાદીઓનો ઇરાદો હતો. પરંતુ તેઓ નિશાન ચૂકી ગયા અને આગળ જતી પોલીસવાન તેની ઝપટમાં આવી ગઇ. તેથી એક પોલીસનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું જયારે બીજા ત્રણને ગંભીર ઇજાઓ થઇ હતી.
આ કાફલામાં રશિયા, વિયેતનામ, બોસ્નિયા, હર્ઝગોવિના, ઇથોપિયા, રાઉન્ડા, ઝિમ્બાબ્વે, ઇન્ડોનેશિયા, ઉઝબેકીસ્તાન, તુર્કમેનિસ્તાન, કાઝાખસ્તાન અને પોર્ટુગલના દૂતાવાસો સ્થિત રાજદ્વારીઓ હતા.
આ વિસ્ફોટને લીધે ઘાયલ થયેલા અન્ય ત્રણ પોલીસોની હાલત પણ ગંભીર છે. તેમ હોસ્પિટલના તબીબોનું કહેવું છે. જો કે તમામ રાજદ્વારીઓ સલામત છે, તેમ કહેતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ ઘટના પછી તમામ રાજદ્વારીઓ ઇસ્લામાબાદ પાછા ફર્યા હતા. તેઓએ માર્યા ગયેલા પોલીસ અને ઇજાગ્રસ્ત પોલીસનાં કુટુંબીઓ પ્રત્યે દિલસોજી દર્શાવી હતી.
નિવેદન વધુમાં જણાવે છે કે, આ રાજદ્વારીઓની આગળ જઈ રહેલી પોલીસવાન ઉપર તે આઇ.ઇ.ડી. પડયો હતો.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંત કે બલુચિસ્તાનમાં કોઈ સરકારી તંત્ર જ નથી ચાલતું. ત્યાં કવાઈલી સરદારો (અમીરો)નું જ તંત્ર ચાલે છે. તેઓ તેમના જ કાયદા પ્રમાણે ચાલે છે.
આ રાજદ્વારીઓ તેઓના કુટુંબીજનો સાથે માલમ જબ્બા જઈ રહ્યા હતા. આ સ્થળ વિશ્વનાં સૌથી સુંદર પ્રદેશો પૈકીના એક સ્વાત પ્રદેશમાં, સહેલગાહ કરવા જઈ રહ્યા હતા. તેઓ માલમ જબ્બામાં રાત્રી રોકાણ કરવાના હતા. તેઓની આ મુસાફરી ઇસ્લામાબાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ICCI) એ સ્વાત ચેમ્બર ઓફ કોમર્સ, સહયોગમાં નિશ્ચિત કરી હતી.
આ ઘટના પછી ખૈબર પખ્તુનવા રાજ્યના મુખ્ય મંત્રી અલિ-અમીને તે વિસ્ફોટને વખોડી કાઢતા કહ્યું હતું કે, અમે તે પોલીસોની અદ્વિતીય પ્રતિબદ્ધતાને સલામ કરીએ છીએ, તેઓની શહીદી નિરર્થક નહીં જાય.